ઈરાનની ચાલથી ચિંતા ઈન્ટરનેટ કેબલ કાપી નાંખવાની ધમકી
- દુનિયાભરમાં અંધાધૂંધીનો ખતરો
સિટી ન્યૂઝ@નવીદિલ્હી : આપણે વારંવાર ક્લાઉડ કમ્પ્યુટિંગ અને વાયરલેસ ઈન્ટરનેટ જેવા શબ્દો સાંભળીએ છીએ, એનાથી આપણને એવું લાગે છે કે ઈન્ટરનેટ તો હવામાં ફરતું હોય છે. પણ એવું નથી. દુનિયામાં જેટલા પણ લોકો ઈન્ટરનેટ વાપરે છે તે ટ્રાફિકનો 99 ટકા ભાગ દરિયાના તળિયામાં પથરાયેલા હજારો કે તેથી પણ વધારે કિલોમીટર લાંબા ફાયબર ઓપ્ટિક કેબલ્સથી પાસ થાય છે. સ્ટારલિંક જેવી સેટેલાઈન્ટ ઈન્ટરનેટ સેવા હજુ 1થી પણ ઓછો ટકા વાપરવામાં આવે છે. માણસના શરીરમાં જે ધમની કે શીરા જેને આપણે ધોરી નસ કહીએ છીએ તે જેવી રીતે પથરાયેલી છે તે રીતે જ દુનિયામાં ઈન્ટરનેટના કેબલ્સ પથરાયેલા છે. જો કોઈ આ કેબલ્સને કાપી નાખે તો દુનિયાના અમુક વિસ્તારોનું ઈન્ટરનેટ ઠપ્પ થઈ જાય. જેના કારણે આખી દુનિયાની ઈકોનોમી પણ ડામાડોળ થઈ જાય. આપણે એશિયા ખંડમાં છીએ તેનું ઈન્ટરનેટ લાલ સમુદ્ર અને હોર્મુઝ ખાડીથી આવે છે. હાઈવે પર જેમ ટોલનાકા હોય એવી જ રીતે આ વિસ્તારો ડિજિટલ ચેક પોઈન્ટ્સ છે. આપણે એક વાત બરોબર સમજવી જોઈએ કે ઈન્ટરનેટના સબમરિન કેબલ કાપવું સહેલું છે પણ તેનું રિપેરિંગ ખૂબ જ અઘરું હોય છે. એકવાર કેબલ કપાઈ જાય પછી, જહાજોને કેબલનો બીજો છેડો શોધવામાં અને તેને ફરી જોડવામાં મહિનાઓ લાગી શકે છે. અહીં ભયાનક વાત એ છે કે યુદ્ધના કારણે વીમા કંપનીઓએ લાલ સમુદ્ર અને હોર્મુઝની ખાડીમાં જનારા રિપેર જહાજોનો વીમો લેવાની ના પાડી દીધી છે. ટૂંકમાં જો કોઈને કંઈ થઈ જાય તો તેની જવાબદારી કોઈ નહીં લે. ઉપરથી દુનિયામાં કેબલ રિપેર કરવાવાળા જહાજો પણ ગણ્યાં ગાંઠ્યા જ છે. કોઈની સિક્યોરિટીની ગેરંટી નથી, અને કોઈ પણ કંપની પોતાનું કરોડો ડોલરનું જહાજ અત્યારે જોખમમાં મૂકવા તૈયાર નથી. આ બધાનો મતલબ એ થાય કે જો આજે ઈરાન કે હુથીઓ કેબલ કાપે તો કેટલો સમય ઈન્ટરનેટ બંધ રહેશે તેનો જવાબ કોઈ નહીં આપી શકે.