Loading Please Wait !!!
પાકિસ્તાન સરહદે ‘અભેદ્ય’ કવચ: રશિયાથી ચોથી S-400 સિસ્ટમ ભારત આવવા રવાના, રાજસ્થાન સેક્ટરમાં થશે તૈનાત

 

  • ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની વિમાનોના ચીરેચીરા ઉડાવનાર ઘાતક સિસ્ટમ મે મહિનામાં પહોંચશે- દુશ્મન દેશમાં ફરી ફફડાટ

  • રાજસ્થાન બોર્ડર પરથી પાકિસ્તાનના ક્વેટા-પેશાવર સુધી રહેશે નજર- વાયુસેનાના અધિકારીઓએ નિરીક્ષણ કરી લીધી લીલી ઝંડી

  •  દુશ્મનના પરિવહન અને લડાકુ વિમાનો માટે સચોટ કાળ- રશિયાની અત્યાધુનિક સિસ્ટમ મે મહિનાના મધ્ય સુધીમાં ભારત પહોંચશે

    નવી દિલ્હી: 'ઓપરેશન સિંદૂર' ની પ્રથમ વર્ષગાંઠ પૂર્વે ભારતની હવાઈ સુરક્ષાને લઈને અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રશિયાએ ભારતને સોંપવામાં આવનારી અત્યાધુનિક S-400 એર ડિફેન્સ સિસ્ટમનું ચોથું શિપમેન્ટ રવાના કરી દીધું છે. ભારતીય વાયુસેનાના અધિકારીઓએ ૧૮ એપ્રિલના રોજ પ્રી-ડિસ્પેચ નિરીક્ષણ પૂર્ણ કર્યા બાદ ગત સપ્તાહે તેને રશિયાથી રવાના કરવામાં આવી હતી. આ સિસ્ટમ મે મહિનાના મધ્ય સુધીમાં ભારત પહોંચી જવાની સંભાવના છે, જ્યારે પાંચમી અને અંતિમ એર ડિફેન્સ સિસ્ટમ આ વર્ષે નવેમ્બર મહિનામાં ભારત આવશે.

    સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત તેની મિસાઇલ રક્ષા ગ્રીડને વધુ મજબૂત બનાવવા માટે આ નવી સિસ્ટમને રાજસ્થાન સેક્ટરમાં પાકિસ્તાન સરહદ નજીક તૈનાત કરી શકે છે. આ અગાઉ પંજાબ અને ગુજરાત સેક્ટરમાં S-400 ની તૈનાતી કરવામાં આવી છે, જેણે ઓપરેશન સિંદૂર દરમિયાન પોતાની ઘાતક મારક ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આ ઓપરેશનમાં ભારતે ૧૧ લાંબી રેન્જની મિસાઇલો છોડીને દુશ્મન દેશના લડાકુ વિમાનો અને ટ્રાન્સપોર્ટ પ્લેન્સને સચોટ રીતે તોડી પાડ્યા હતા, જેનાથી પાકિસ્તાની વાયુસેનામાં ફફડાટ વ્યાપી ગયો હતો.

    S-400 સિસ્ટમના અત્યાધુનિક રડાર અને મિસાઇલની મારક ક્ષમતાનો ખોફ એટલો બધો હતો કે પાકિસ્તાનને ભાન થઈ ગયું હતું કે સિંધુ નદીના પૂર્વના આકાશમાં તેનું કોઈ પણ વિમાન સુરક્ષિત નથી. પરિણામે, મજબૂર થઈને પાકિસ્તાને પંજાબ અને સિંધ બોર્ડર પરના પોતાના એરબેઝ ખાલી કરીને તમામ સક્રિય લડાકુ વિમાનોને પશ્ચિમમાં આવેલા ક્વેટા અને પેશાવર એરબેઝ પર શિફ્ટ કરવા પડ્યા હતા. ઓપરેશન દરમિયાન પાકિસ્તાને ભારતીય S-400 સિસ્ટમને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ ભારતની મજબૂત સુરક્ષા સામે તે સફળ થયું નહોતું.

    કેન્દ્રની મોદી સરકારે પાંચ S-400 સિસ્ટમની ખરીદી માટે રશિયા સાથે સોદો કર્યો હતો, જેમાંથી ત્રણ પહેલેથી જ કાર્યરત છે. ચોથી સિસ્ટમ આવતાની સાથે જ પશ્ચિમી સરહદે ભારતનું પલ્લું અત્યંત ભારે થઈ જશે. આ સિસ્ટમ ૪૦૦ કિલોમીટરની રેન્જમાં આવતા કોઈ પણ દુશ્મન વિમાન, મિસાઇલ કે ડ્રોનને હવામાં જ ફૂંકી મારવા સક્ષમ છે. રાજસ્થાનમાં તેની તૈનાતી બાદ પાકિસ્તાનનો જે પણ હવાઈ હુમલાનો પ્લાન હશે તે જમીન પર જ ધ્વસ્ત થઈ જશે.

    ભારતીય સંરક્ષણ નિષ્ણાતોના મતે, રશિયા દ્વારા સમયસર શિપમેન્ટ મોકલવું એ બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો દર્શાવે છે, ખાસ કરીને જ્યારે રશિયા પોતે સંઘર્ષમાં વ્યસ્ત હોય. નવેમ્બર સુધીમાં પાંચેય સિસ્ટમ તૈનાત થયા બાદ ભારતનું એર ડિફેન્સ કવચ વિશ્વના સૌથી મજબૂત કવચોમાંનું એક બની જશે. આ નવી સિસ્ટમની એન્ટ્રીથી પાકિસ્તાન અને ચીન બંને મોરચે ભારતની હવાઈ સંપ્રભુતા વધુ સુરક્ષિત અને અજેય બનશે.