આપણું ગુજરાત, ગૌરવવંતુ ગુજરાત
- ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન અને વિકાસનું વૈશ્વિક મોડેલ: ઉદય કાનગડ
- ગિફ્ટ સિટી, મેટ્રો અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ્સ ગુજરાતને આધુનિકતા તરફ લઈ જઈ રહ્યા છે
- ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાત સ્થાપના દિવસ ગુજરાતના ગૌરવ અને અસ્મિતાનો પર્વ છે. ૧ મે ૧૯૬૦ ના રોજ બોમ્બે રાજ્યમાંથી અલગ થઈને ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી, જે દર વર્ષે ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે. મહાગુજરાત આંદોલન બાદ ઈન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં ભાષાના આધારે આ અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. આજે ગુજરાત સ્થાપનાના 66 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. રાજ્ય રચનાની પ્રક્રિયામાંથી ગુજરાત રાજ્યનું સ્વતંત્ર અસ્તિત્વ પ્રાપ્ત થયું. આ દિવસ માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા, સાહસ અને વિકાસયાત્રાનું પ્રતિક છે. વેપાર, ઉદ્યોગ, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે ગુજરાતે દેશ-વિદેશમાં આગવી ઓળખ બનાવી છે. ગુજરાત કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરનાર રાજ્ય છે. સરદાર સરોવર યોજના અને નર્મદા કેનાલના કારણે સિંચાઈની સુવિધાઓ વધતા ખેડુતોને વિશાળ લાભ મળ્યો છે. કપાસ, મગફળી, જીરૂં, ઘઉં અને ખાંડ જેવી પાકોમાં ગુજરાત અગ્રણી રહ્યું છે. આધુનિક ટેકનોલોજી અને કૃષિ સંશોધન દ્વારા ઉત્પાદનમાં સતત વધારો થયો છે. દુધ ઉત્પાદન ક્ષેત્રે આદરણીયશ્રી વર્ગીશ કુરિયનના માર્ગદર્શન હેઠળ અમૂલ જેવી સંસ્થાઓએ વ્હાઇટ રેવોલ્યુશન લાવી ખેડુતોને આર્થિક રીતે મજબૂત બનાવ્યા છે.ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત ભારતનું શક્તિશાળી કેન્દ્ર છે. પેટ્રોકેમિકલ, ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ અને ડાયમંડ પોલિશિંગ ઉદ્યોગોમાં રાજ્ય અગ્રેસર છે. ગુજરાતમા અનેક મોટી કંપનીઓએ રાજ્યમાં રોકાણ કરીને રોજગારી અને વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.ગુજરાત સંતો અને મહંતોની પવિત્ર ભૂમિ તરીકે પણ પ્રસિદ્ધ છે. નરસિહ મહેતાએ ભક્તિ અને સમરસતાનો સંદેશ આપ્યો, તેમનું વૈષ્ણવ જન તો આજે પણ માનવતાનું પ્રતિક છે. સ્વામિનારાયણ સંસ્થાઓએ સમાજમાં નૈતિકતા, સદાચાર અને આધ્યાત્મિક જીવનનો પ્રચાર કર્યો અને લાખો લોકોને નિર્વ્યસની બનાવ્યા. વીરપુર જલારામ બાપાનું પ્રખ્યાત ધામ જ્યા સેવાભાવ અને પરોપકાર દ્વારા માનવતાની મિસાલ ઊભી કરી. ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ પણ ભુલાય નહિં, અનેક સંતો મહંતો ના મુખેથી આજે પણ કથાઓ દ્વારા સંસ્કાર અને આધ્યાત્મિક મૂલ્યોનો પ્રસાર કરે છે. આ સંતો-મહંતો તેમજ દલપત નાન્હાલાલના મધુર કાવ્ય, મેઘાણીજીની શોર્ય કથાઓ, નર્મદના કાવ્યો આજે પણ ગુજરાતીઓમાં ગુંજે છે. ઉપદેશો અને જીવનમૂલ્યો અને કાવ્યો ના કારણે ગુજરાતને પવિત્ર ભૂમિ તરીકે વિશેષ ઓળખ મળી છે.ગુજરાત મહાન વ્યક્તિઓની ધરતી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અહિંસા અને સત્યના માર્ગથી સ્વતંત્રતા સંઘર્ષને નવી દિશા આપી, જ્યારે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલએ દેશના એકીકરણમાં ઐતિહાસિક યોગદાન આપ્યું. મહાન વૈજ્ઞાનિક શ્રી વિક્રમ સારાભાઈએ વિજ્ઞાન ક્ષેત્રે ભારતને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યું. આ મહાનુભાવોના યોગદાન, કૃષિ-ઔદ્યોગિક વિકાસ અને સંતોના આશીર્વાદના આધારે ગુજરાત આજે પ્રગતિના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે. આ પાવન દિવસે આપણે સૌ ગુજરાતના સર્વાંગી વિકાસમાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ લઈએ. દેશ-વિદેશમાં વસતા સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ!
રાજકોટ વિધાનસભા-68 ના ધારાસભ્ય ઉદય કાનગડએ ગુજરાત રાજ્યના 66માં સ્થાપના દિવસ નિમિત્તે શહેરીજનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે જણાવ્યું કે, 1st May 1960 ના રોજ સ્થપાયેલું આપણું ગુજરાત આજે સાહસ, સંસ્કાર અને સમૃદ્ધિનું પર્યાય બની ચૂક્યું છે. ગુજરાતની પ્રજાની કોઠાસૂઝ અને પડકારો સામે લડવાની શક્તિ જ તેને અન્ય રાજ્યોથી અલગ તારવે છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાપુરુષોની આ ધરાએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.ધારાસભ્યએ ગુજરાતની આર્થિક સિદ્ધિઓ પર ભાર મૂકતા જણાવ્યું કે, દેશની માત્ર 5% વસ્તી ધરાવતું ગુજરાત ભારતની કુલ GDP માં 8.2% થી 8.3% જેટલો મજબૂત ફાળો આપે છે. એટલું જ નહીં, દેશની કુલ નિકાસમાં ગુજરાત 30% થી વધુ હિસ્સો ધરાવીને અર્થતંત્રને વેગ આપી રહ્યું છે. રાજ્ય સરકારે રજૂ કરેલું 4.08 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ 'વિકસિત ગુજરાત' ના વિઝનને સાકાર કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપી રહ્યું છે.ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત અને આધુનિકતાના સમન્વય વિશે વાત કરતા ઉદય કાનગડએ કહ્યું કે, રાજ્યમાં એક તરફ સોમનાથ અને દ્વારકા જેવા આધ્યાત્મિક કેન્દ્રો છે, તો બીજી તરફ ગિફ્ટ સિટી, ધોલેરા સ્માર્ટ સિટી અને બુલેટ ટ્રેન જેવા મેગા પ્રોજેક્ટ્સ ધબકી રહ્યા છે. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જે રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. ટેસલા અને માઈક્રોન જેવી કંપનીઓનું આગમન ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યની સાક્ષી પૂરે છે. અંતમાં, ધારાસભ્યએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી વિકાસયાત્રાને બિરદાવી હતી. તેમણે શહેરીજનોને આહવાન કર્યું હતું કે, 'આત્મનિર્ભર ભારત' માટે આપણે સૌ 'આત્મનિર્ભર ગુજરાત' ના નિર્માણમાં સહભાગી થઈએ. કવિ નર્મદની પંક્તિ 'ડગલું ભર્યું કે ના હટવું' ને ચરિતાર્થ કરી રહેલા ખમીરવંતા ગુજરાતીઓને તેમણે નમન કરી ઉત્સવની ઉજવણી કરવા અપીલ કરી હતી.