બ્રિટનની ધમકી રશિયાએ ઘોળીને પી લીધી: સ્ટાર્મરની ચેતવણી છતાં 98 રશિયન જહાજોએ બ્રિટિશ દરિયામાં જમાવી ધાક
-
વડાપ્રધાનના નિવેદન પછી પણ રશિયન ‘શેડો ફ્લીટ’ નો બેરોકટોક પ્રવાસ- શું બ્રિટનનું નૌકાદળ હવે લાચાર છે?
-
ઇંગ્લિશ ચેનલમાં પુતિનના ‘શેડો ફ્લીટ’ નો તરખાટ- ફ્રાન્સ અને બેલ્જિયમે જહાજો પકડ્યા પણ બ્રિટિશ નૌકાદળ નિષ્ફળ
-
નબળું કોસ્ટ ગાર્ડ અને નાનું નૌકાદળ બ્રિટન માટે બન્યું શરમજનક- રશિયાએ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને દરિયામાં ડૂબાડ્યા
લંડન: એક સમયે જેની આણ આખા વિશ્વના સમુદ્રો પર વર્તાતી હતી તે બ્રિટન આજે પોતાના જ દરિયાઈ વિસ્તારમાં રશિયાના ‘શેડો ફ્લીટ’ ને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. બ્રિટિશ વડાપ્રધાન કીયર સ્ટાર્મરે ૨૫ માર્ચના રોજ રશિયાના આ છૂપા જહાજો સામે કડક કાર્યવાહીની ધમકી આપી હતી, પરંતુ તાજેતરના આંકડા દર્શાવે છે કે રશિયાએ આ ધમકીને જરા પણ ગણકારી નથી. છેલ્લા એક મહિનામાં જ ૯૮ રશિયન જહાજો બ્રિટિશ દરિયાઈ ક્ષેત્રમાંથી પસાર થઈ ચૂક્યા છે અને બ્રિટિશ નૌકાદળ માત્ર જોતું જ રહ્યું છે.
એલએસઈજી (LSEG) ટ્રેકિંગ ડેટા મુજબ, આ ૯૮ જહાજોમાંથી ૬૩ જહાજો તો ઇંગ્લિશ ચેનલના રસ્તે બ્રિટનના દરિયાકિનારાથી માત્ર ૧૨ નોટિકલ માઈલની અંદરથી પસાર થયા હતા. આ વિસ્તાર બ્રિટનનો અત્યંત સંવેદનશીલ દરિયાઈ પટ્ટો ગણાય છે. આ ઉપરાંત ૩૫ અન્ય જહાજો બ્રિટનના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) માંથી નીકળ્યા હતા. આ જહાજો રશિયા-યુક્રેન યુદ્ધમાં પશ્ચિમી દેશોના પ્રતિબંધોની ઐસીતૈસી કરીને ઓઈલ અને ગેસનું પરિવહન કરી રહ્યા છે.
આશ્ચર્યની વાત એ છે કે જ્યારે ફ્રાન્સ, બેલ્જિયમ અને સ્વીડન જેવા પાડોશી દેશોએ રશિયાના આ ‘શેડો ફ્લીટ’ ને રોકીને અથવા પકડીને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરાવ્યું છે, ત્યારે બ્રિટને અત્યાર સુધી એક પણ જહાજ વિરુદ્ધ કોઈ સત્તાવાર કાર્યવાહી કરી નથી. સંરક્ષણ નિષ્ણાતોના મતે, બ્રિટન પાસે અત્યારે વિશ્વનું સૌથી મોટું નૌકાદળ હોવાનો ઇતિહાસ છે, પરંતુ વર્તમાનમાં તેની નૌકાદળ ક્ષમતા અત્યંત મર્યાદિત થઈ ગઈ છે. મજબૂત તટરક્ષક દળના અભાવે રશિયાના જહાજો બ્રિટિશ ચેતવણીઓને ઠોકર મારી રહ્યા છે.
રશિયા આ ‘શેડો ફ્લીટ’ નો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય દેખરેખ અને પ્રતિબંધોથી બચીને પોતાનો વેપાર ચાલુ રાખી રહ્યું છે. આ જહાજો કોઈ ચોક્કસ દેશ કે કંપની સાથે જોડાયેલા દેખાતા નથી, તેથી તેમને ‘શેડો ફ્લીટ’ કહેવામાં આવે છે. બ્રિટનના દરિયાકાંઠાની સાવ નજીકથી આટલી મોટી સંખ્યામાં જહાજોનું પસાર થવું એ લંડન માટે રાષ્ટ્રીય સુરક્ષાનો પણ ગંભીર પ્રશ્ન છે. જો બ્રિટન પોતાની દરિયાઈ સીમાની સુરક્ષા કરવામાં આટલું લાચાર રહેશે, તો ભવિષ્યમાં રશિયા અને અન્ય પ્રતિસ્પર્ધી દેશો માટે બ્રિટનના જળક્ષેત્રમાં ઘૂસવું વધુ સરળ બની જશે.
વડાપ્રધાન સ્ટાર્મરની આ નિષ્ફળતાને કારણે વિપક્ષો પણ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. જે દેશ ક્યારેય સાગરનો સમ્રાટ કહેવાતો હતો, તે આજે રશિયાના કાફલા સામે મૌન સેવી રહ્યો છે તે ઘટના બ્રિટિશ રાજદ્વારી અને સૈન્ય તાકાતના પતનનો સંકેત આપે છે. આગામી દિવસોમાં જો બ્રિટન કોઈ મોટું કદમ નહીં ઉઠાવે, તો તેની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા વધુ ખરડાશે તે નક્કી છે.