Loading Please Wait !!!
પાકિસ્તાનમાં તેલ સંકટનો વિસ્ફોટ: માત્ર 7 દિવસનો જ સ્ટોક બાકી

  • પેટ્રોલિયમ મંત્રીની લાચારી- 'અમારી પાસે ભારત જેવો કોઈ ઓઇલ ભંડાર નથી'
  • સરકારી પગારમાં કાપ અને વર્ક ફ્રોમ હોમ; ઈરાન યુદ્ધે પાકિસ્તાનને પાયમાલ કર્યું.
  • ભારત પાસે 70 દિવસનો તેલ ભંડાર, જ્યારે પાકિસ્તાન પાસે એક અઠવાડિયું પણ નીકળવું મુશ્કેલ.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવની સીધી અને આકરી અસર પાડોશી દેશ પાકિસ્તાન પર વર્તાઈ રહી છે. પાકિસ્તાનમાં ઉર્જા સંકટ એટલું ગંભીર બન્યું છે કે હવે ત્યાંના મંત્રીઓએ જાહેરમાં પોતાની લાચારી સ્વીકારવી પડી છે. પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે ઓન-કેમેરા કબૂલાત કરી છે કે દેશમાં હવે માત્ર 5 થી 7 દિવસનો જ ક્રૂડ ઓઇલનો સ્ટોક બચ્યો છે. તેમણે સ્વીકાર્યું કે પાકિસ્તાન પાસે ભારત જેવો કોઈ વ્યૂહાત્મક ઓઇલ ભંડાર નથી અને તેમનો દેશ માત્ર કોમર્શિયલ રિઝર્વ પર જ નિર્ભર છે. હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ ઠપ થતા તેલની કિંમતો વધીને 126 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે, જેણે પાકિસ્તાનની કમર તોડી નાખી છે.

પાકિસ્તાની મંત્રીએ ભારતની આર્થિક તાકાત અને વ્યવસ્થાપનની પ્રશંસા કરતા જણાવ્યું કે ભારત પાસે 60 થી 70 દિવસનો સુરક્ષિત ઓઇલ ભંડાર છે, જે કટોકટીના સમયે તરત જ ઉપયોગમાં લઈ શકાય છે. ભારત પાસે 600 અબજ ડોલરનું વિદેશી હૂંડિયામણ હોવાથી તે આ વૈશ્વિક સંકટનો મજબૂતાઈથી સામનો કરી રહ્યું છે. ભારત પર IMF નું કોઈ દબાણ નથી અને પૂરતી 'ફિસકલ સ્પેસ' હોવાથી તે ટેક્સ ઘટાડીને સામાન્ય જનતાને રાહત આપી શકે છે, જ્યારે પાકિસ્તાન માટે આવું કરવું અશક્ય છે કારણ કે તેનું દેવું બમણાથી વધુ વધી ગયું છે.

દેશમાં ઊર્જાના અભાવે અત્યારે લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે. શાહબાઝ શરીફ સરકારે અર્થવ્યવસ્થા બચાવવા માટે કડક પગલાં લીધા છે, જેમાં સરકારી અધિકારીઓના પગારમાં કાપ અને લોકોને વર્ક ફ્રોમ હોમ કરવાની સલાહ આપવામાં આવી છે. પીએમ શાહબાઝ શરીફે પણ સ્વીકાર્યું છે કે ઈરાન યુદ્ધને કારણે દેશની અર્થવ્યવસ્થા બરબાદીના આરે પહોંચી ગઈ છે. પેટ્રોલના ભાવમાં ભલે તાજેતરમાં 80 રૂપિયાનો ઘટાડો જાહેર કરાયો હોય, પરંતુ તેનો આર્થિક બોજ પેટ્રોલિયમ લેવી દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે જે લાંબો સમય ટકી શકે તેમ નથી.

બીજી તરફ, આટલા મોટા વૈશ્વિક સંકટ છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર જળવાઈ રહ્યા છે. ભારત સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં આશરે 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરીને સામાન્ય જનતા અને ઓઇલ કંપનીઓને મોટી રાહત આપી છે. ભારતની સફળતાનું મુખ્ય કારણ તેની રણનીતિક સ્વાયત્તતા છે, જેના હેઠળ તે રશિયા જેવા મિત્ર દેશો પાસેથી સસ્તું તેલ ખરીદી રહ્યું છે. આ ઉપરાંત, ભારતે આયાત માટેના અન્ય વૈકલ્પિક માર્ગો અને સ્ત્રોતો પણ વધાર્યા છે, જે તેને આ આંતરરાષ્ટ્રીય કટોકટીમાં પણ સુરક્ષિત રાખે છે.

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતો અને સપ્લાય ચેઇનમાં અવરોધને કારણે પાકિસ્તાન માટે આગામી અઠવાડિયું અત્યંત નિર્ણાયક સાબિત થશે. જો તેલનો નવો જથ્થો સમયસર નહીં મળે, તો દેશના વાહનવ્યવહાર અને ઉદ્યોગો સંપૂર્ણપણે ઠપ થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ આર્થિક અને ઉર્જા સુરક્ષાની ખાઈ અત્યારે સ્પષ્ટપણે જોવા મળી રહી છે, જ્યાં એક દેશ સંપૂર્ણ સુરક્ષિત છે અને બીજો દેશ અંધકારમય ભવિષ્ય તરફ ધકેલાઈ રહ્યો છે.