Loading Please Wait !!!
લવ લોજિક કે લફડો ? : સબંધોની સીમા તૂટી બહેનોએ પતિઓની કરી અદલા-બદલી

  • બાળકો હોવા છતાં બહેનોએ  `પતિ બદલવાની' ઈચ્છા વ્યક્ત કરી

સિટી ન્યૂઝ@મધ્યપ્રદેશ : મધ્યપ્રદેશ હાઈકોર્ટની ગ્વાલિયર બેન્ચમાં તાજેતરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે કાયદાકીય જગત અને સમાજમાં ભારે ચર્ચા જગાવી છે. એક પતિ દ્વારા પોતાની પત્નીના અપહરણની કરવામાં આવેલી ફરિયાદમાં જ્યારે સત્ય સામે આવ્યું, ત્યારે ન્યાયાધીશ સહિત કોર્ટરૂમમાં હાજર તમામ લોકો દંગ રહી ગયા હતા. આ કેસમાં બે સગી બહેનોએ એકબીજાના પતિઓ સાથે રહેવાની અને પતિ બદલવાની (Husband Swapping) ઈચ્છા વ્યક્ત કરી છે.
દતિયાના રહેવાસી ગિરિજા શંકરે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરીને આક્ષેપ કર્યો હતો કે માયારામ નામના શખ્સે તેની પત્ની અને પુત્રીને ગેરકાયદેસર રીતે બંધક બનાવ્યા છે. કોર્ટના આદેશ બાદ પોલીસે જ્યારે મહિલાને રજૂ કરી, ત્યારે તેણે જણાવ્યું કે તે કોઈના દબાણમાં નથી, પરંતુ પોતાની મરજીથી તેના બનેવી (બહેનના પતિ) માયારામ સાથે રહી રહી છે. મહિલાએ એમ પણ ઉમેર્યું કે તેણે તેના વર્તમાન પતિથી છૂટાછેડા માટે અરજી પણ કરી દીધી છે.
આ કિસ્સામાં સૌથી રોમાંચક વળાંક ત્યારે આવ્યો જ્યારે માયારામની પત્ની એટલે કે અરજદારની સાળીએ પણ આ સંબંધ સામે કોઈ વાંધો ઉઠાવ્યો નહીં. ઉલટું, તેણે કોર્ટમાં જાહેર કર્યું કે જો તેની મોટી બહેન તેના પતિ સાથે રહેવા માંગતી હોય, તો તેને મંજૂરી છે, કારણ કે તેને પણ તેની મોટી બહેનના પતિ (બનેવી) સાથે રહેવામાં રસ છે. બંને બહેનો પરિણીત છે અને તેમને બાળકો પણ છે, છતાં તેઓએ એકબીજાના પતિ સાથે નવું જીવન શરૂ કરવાની મનીષા વ્યક્ત કરી હતી.
ગ્વાલિયર હાઈકોર્ટે આ કેસની સુનાવણી બાદ અવલોકન કર્યું કે બંને મહિલાઓ પુખ્ત વયની છે અને સ્વેચ્છાએ પોતાના નિર્ણયો લઈ રહી છે. વધારાના સરકારી વકીલ ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે, મહિલાએ પોતે જ અપહરણનો ઇનકાર કર્યો હોવાથી કોર્ટે હેબિયસ કોર્પસ અરજી ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ હવે અપહરણનો કેસ નહીં પણ કૌટુંબિક વિવાદનો મામલો છે.