એશિયામાં પરમાણુ યુદ્ધના એંધાણ: ચીને UN માં જાપાનના ન્યૂક્લિયર પ્લાનનો કર્યો પર્દાફાશ
- જાપાન પાસે 5,500 બોમ્બ બનાવી શકાય તેટલું પ્લુટોનિયમ હોવાનો ચીનનો દાવો; ગમે ત્યારે થઈ શકે છે પરીક્ષણ.
- 44.4 ટન પ્લુટોનિયમ અને અત્યાધુનિક રિપ્રોસેસિંગ ટેકનોલોજી સાથે જાપાન સજ્જ હોવાનો આક્ષેપ.
- બીજા વિશ્વયુદ્ધનું પીડિત જાપાન હવે પોતે જ શસ્ત્રો વિકસાવી રહ્યું હોવાના આંકડા રજૂ કરાયા.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
બીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ હુમલાની ભયાનકતા સહન કરનાર જાપાન શું હવે પોતે જ પરમાણુ હથિયાર વિકસાવી રહ્યું છે? આ સવાલ હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. ચીને સત્તાવાર રીતે સંયુક્ત રાષ્ટ્ર (UN)માં દાવો કર્યો છે કે જાપાન ખૂબ જ ઝડપથી ન્યૂક્લિયર બોમ્બ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને જો તેને સમયસર રોકવામાં નહીં આવે, તો તે ગમે ત્યારે પરમાણુ પરીક્ષણ કરી શકે છે. ચીન મે મહિનામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું રાષ્ટ્રપ્રમુખ પદ સંભાળવાનું છે, તે પહેલા જ તેણે આ ગંભીર મુદ્દો ઉઠાવીને જાપાન સામે મોરચો ખોલ્યો છે.
ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, જાપાને શસ્ત્ર-ગ્રેડ પ્લુટોનિયમ કાઢવાની અત્યાધુનિક ટેકનોલોજી અને રિપ્રોસેસિંગ સુવિધાઓ મેળવી લીધી છે. ચીને રજૂ કરેલા આંકડાઓ ચોંકાવનારા છે, જે મુજબ જાપાન પાસે 2024ના અંત સુધીમાં 44.4 ટન અલગ કરેલું પ્લુટોનિયમ હતું. ચીનનો દાવો છે કે આટલો જથ્થો આશરે 5,500 પરમાણુ શસ્ત્રો બનાવવા માટે પૂરતો છે અને જાપાન પાસે ટૂંકા ગાળામાં 'ન્યૂક્લિયર એક્સપ્લોઝન' કરવાની ટેકનિકલ ક્ષમતા છે.
ચીનની આ ચિંતા પાછળ જાપાનની બદલાતી સુરક્ષા નીતિઓ જવાબદાર હોવાનું મનાય છે. જાપાનના વડાપ્રધાન સના તાકાઈચીએ તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચનામાં સુધારો કરવા માટે 15 નિષ્ણાતોની પેનલ બનાવી છે. આ પેનલમાં એવા અધિકારીઓ સામેલ છે જેઓ અગાઉ જાપાનના 'ત્રણ બિન-પરમાણુ સિદ્ધાંતો'—પરમાણુ શસ્ત્રો ન રાખવા, ન બનાવવા અને ન લાવવા—માં ફેરફાર કરવાની હિમાયત કરી ચૂક્યા છે.
ચીનના શસ્ત્ર નિયંત્રણ વિભાગના વડા સન ઝિયાઓબોએ આક્ષેપ કર્યો છે કે, 'બીજા વિશ્વયુદ્ધમાં હાર છતાં, જાપાન પોતાની સ્થિતિ સ્વીકારવા તૈયાર નથી. તે પોતાના શાંતિવાદી બંધારણમાં ફેરફાર કરીને પરમાણુ શક્તિ બનવા માંગે છે, જે આંતરરાષ્ટ્રીય શાંતિ માટે વિનાશક સાબિત થશે'. ચીને સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી છે કે ન્યૂયોર્કમાં યોજાનારી આગામી કોન્ફરન્સમાં જાપાનના આ સંભવિત પરમાણુ કાર્યક્રમને મુખ્ય એજન્ડામાં સામેલ કરવામાં આવે.
ચીનને એ વાતનો પણ ડર છે કે જાપાન તેની ધરતી પર અમેરિકાના પરમાણુ હથિયારો તહેનાત કરવાની મંજૂરી આપી શકે છે, જે સીધી રીતે ચીનની સુરક્ષા માટે ખતરો બની શકે તેમ છે. હાલમાં જાપાન તરફથી આ ગંભીર આરોપો પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ ચીનના આ આક્રમક વલણે એશિયા-પેસિફિક વિસ્તારમાં ફરી એકવાર રાજદ્વારી ગરમાવો વધારી દીધો છે.