કોલેજમાં બેદરકારીનો કાંડ! લાઇબ્રેરીમાં પંખો પડતા ત્રણ વિદ્યાર્થિનીઓ ઘાયલ
- મુરલીધર નર્સિંગ કોલેજમાં લાઇબ્રેરીનો બનાવ
- જર્જરિત બિલ્ડિંગ છતાં રીપેરીંગ કેમ નહીં? જવાબદાર ટ્રસ્ટીઓ સામે કાર્યવાહીની લોકમાંગ
- વિદ્યાર્થીઓના આક્રોશ વચ્ચે પોલીસ ફરિયાદની માંગ, સંચાલકો ભૂગર્ભમાં ઉતર્યા
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ જિલ્લાના શિક્ષણક્ષેત્રમાં ગંભીર બેદરકારીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મુરલીધર નર્સિંગ કોલેજ ખાતે લાઇબ્રેરીમાં લાગેલ પંખો અચાનક છૂટી પડી જતાં ત્રણ વિદ્યાર્થિનીઓને માથાના ભાગે ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે.
માહિતી મુજબ, ઘટનાના સમયે લાઇબ્રેરીમાં નિયમિત અભ્યાસ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક પંખો નીચે પડતાં ભયનો માહોલ સર્જાયો હતો. સહપાઠીઓએ તાત્કાલિક મદદ પહોંચાડી અને કોલેજ સ્ટાફને જાણ કરવામાં આવી. ઘટનાથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે કોલેજ બિલ્ડિંગ લાંબા સમયથી ઝરઝરિત હાલતમાં છે અને અનેક વખત સંચાલનને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ફક્ત ફી વસૂલવામાં રસ ધરાવતા ટ્રસ્ટીઓ વિદ્યાર્થીઓની સલામતી પ્રત્યે બેફિકર છે, એમ વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.ઘટના બાદ વિદ્યાર્થીઓએ કોલેજ પરિસરમાં જ હોબાળો મચાવ્યો અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી. સાથે જ, જવાબદાર ટ્રસ્ટી અને સંચાલન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની પણ માંગણી કરવામાં આવી છે.સ્થાનિક સ્તરે આ બનાવને લઇને શિક્ષણ વ્યવસ્થાની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. વાલીઓમાં પણ ચિંતા વ્યાપી છે અને તેઓએ તેમના સંતાનોની સલામતી અંગે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.હાલ સુધી કોલેજ સંચાલન તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી. પોલીસ તંત્ર દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ બનાવે સ્પષ્ટ કર્યું છે કે શિક્ષણ સંસ્થાઓમાં સુરક્ષા માપદંડોની અવગણના ગંભીર પરિણામો આપી શકે છે, અને સમયસર જાગૃતતા અને કાર્યવાહી અત્યંત જરૂરી છે.