કિટીપરાના ચકચારી ખૂન કેસમાં આરોપીને આજીવન કેદ
- 14 સાહેદો, ડોક્ટરની જુબાની
- છરી પરથી મળેલું લોહી
- આરોપીના મળેલા મોબાઈલના સહિતના 35 દસ્તાવેજી પુરાવા ગ્રાહ્ય રાખતી કોર્ટ
સિટી ન્યૂઝ@રાજકોટ: રાજકોટના કિટીપરા વિસ્તારમાં જૂન ૨૦૨૨માં સર્જાયેલા આસીફ જુણેજાના ચકચારી ખૂન કેસમાં રાજકોટની સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. એડિશનલ સેશન્સ જજ વી.કે. ભટ્ટે આરોપી વિકી અશોકભાઈ ચોવસીયા ઉર્ફે વિકી બજરીયાને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સખત સજા અને દંડનો હુકમ ફરમાવ્યો છે.બનાવની વિગત મુજબ, ૨૦ જૂન ૨૦૨૨ની વહેલી સવારે આશરે ૩:૩૦ વાગ્યે ફરિયાદી જાકીર ઉર્ફે ટપુ જુણેજા તેના મિત્ર સુનીલ દેવીપૂજકની દુકાને ચા પીતા હતા. આ સમયે આરોપી વિકી બજરીયા ત્યાં ધસી આવ્યો હતો અને ગાળો આપી ફરિયાદીના એક્સેસ મોટરસાઈકલમાં લાતો મારવા લાગ્યો હતો. ફરિયાદીએ તેને રોકવાનો પ્રયાસ કરતા મામલો બિચક્યો હતો.પોતાના ભાઈ સમાન આસીફ જુણેજાને ફરિયાદીએ સમજાવવા માટે બોલાવ્યો હતો. આસીફ ત્યાં પહોંચતા અને વિકીને સમજાવવા જતાં, ઉશ્કેરાયેલા વિકી બજરીયાએ પેન્ટના નેફામાંથી છરી કાઢી આસીફની છાતીના ડાબા ભાગે હુલાવી દીધી હતી. હોસ્પિટલ પહોંચતા પહેલા જ આસીફનું કરુણ મોત નીપજ્યું હતું.પ્રદ્યુમનનગર પોલીસે આ કેસમાં ગણતરીના દિવસોમાં આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ રજૂ કરી હતી.
કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરાગ એન. શાહ દ્વારા ૧૪ સાહેદોની જુબાની લેવામાં આવી હતી. કોર્ટ સમક્ષ ૩૫ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા.
મેટોડામાં હિટ સ્ટ્રોકથી શ્રમિકનું મોત
સિટી ન્યૂઝ@રાજકોટ
છેલ્લા એક અઠવાડિયાથી 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ અંગે હવામાન વિભાગે પણ ગાઈડલાઈન જાહેર કરી છે ત્યારે રાજકોટ પંથકમાં હીટ સ્ટ્રોકથી પ્રથમ મોત નોંધાયું છે. મેટોડામાં કારખાનેથી ઘરે જતો શ્રમિક યુવાન રસ્તા વચ્ચે જ ઢળી પડ્યો હતો.મળતી માહિતી અનુસાર, શૈલેષભાઈ આબાભાઈ બારીયા (ઉંમર વર્ષ 40, રહે.મેટોડા, ગેટ નં. 3, તા. લોધીકા, જિ. રાજકોટ) ગઈકાલે બપોરે સાડા ત્રણ વાગ્યા આસપાસ આગ ઝરતી ગરમી વચ્ચે કારખાનેથી બાઈક પર પોતાના ઘરે જતો હતો. ત્યારે અચાનક તેને ચક્કર આવવા લાગતા તેણે બાઈક ઉભું રાખી દીધું હતું. જમીન પર બેસી ગયો હતો અને ત્યાં જ બેભાન થઈ ગયો હતો.કોઈ રાહદારીનું ધ્યાન પડતા 108 ને ફોન કર્યો હતો 108 મારફત શૈલેષને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.