યુવાને રખડતા કૂતરા સાથે દુષ્કર્મ આચર્યુ
- મલાડમાં ફૂટપાથ પર ઘટના બની
- સ્થાનિક મહિલાએ આરોપીને રંગેહાથ ઝડપ્યો આવા ગંભીર ગુના છતાં માત્ર 50 રૂપિયા દંડ
સિટી ન્યૂઝ@મુંબઈ : મુંબઈના માલાડ વેસ્ટ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. એક પશુચિકિત્સા ક્લિનિકની બહાર ફૂટપાથ પર શ્વાન પર જાતીય શોષણ કરવા બદલ પોલીસે 45 વર્ષીય નરેશ ચંદુલકરની ધરપકડ કરી છે. આ ઘટના 26 એપ્રિલના રોજ રાત્રે 11:30 વાગ્યાની આસપાસ બની હતી, જેને સ્થાનિક રહેવાસી રુક્સાના શેખે રંગેહાથ ઝડપી પાડી હતી.
આઘાતજનક બાબત કાયદાકીય જોગવાઈ છે. મુંબઈ પોલીસના માલવાણી યુનિટે આરોપીની અટકાયત તો કરી છે, પરંતુ તેની સામે 'પ્રાણીઓ પર ક્રૂરતા નિવારણ અધિનિયમ, 1960' હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં સજા તરીકે માત્ર 50 રૂપિયાના દંડની જોગવાઈ છે. નિષ્ણાતોના મતે, અગાઉ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 377 હેઠળ આવા કિસ્સામાં 10 વર્ષ સુધીની જેલ કે આજીવન કેદની સજા થતી હતી. જોકે, 1 જુલાઈ, 2024 થી અમલી બનેલી નવી ભારતીય ન્યાય સંહિતા (BNS) માં આ કલમ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે, જેના કારણે પોલીસ પાસે અત્યારે મર્યાદિત વિકલ્પો બચ્યા છે. PETA ઇન્ડિયાના ડેટા મુજબ, જુલાઈ 2024 થી અત્યાર સુધીમાં દેશભરમાં પ્રાણીઓ પર જાતીય શોષણના 40 થી વધુ કેસ નોંધાયા છે. કાંદિવલી ઈસ્ટ, કુરાર ગામ તેમજ હૈદરાબાદ અને કોલકાતા જેવા શહેરોમાં પણ આવી ઘટનાઓ બની છે. મનોચિકિત્સકોના મતે, આ પ્રકારના ગુનેગારો ઘણીવાર 'પેરાફિલિયા ક્રોસઓવર' ધરાવતા હોય છે, જે ભવિષ્યમાં બાળકો કે મહિલાઓ પરના જાતીય ગુનાઓમાં સંડોવાઈ શકે છે.
પ્રાણીઓના હિતમાં કામ કરતી સંસ્થાઓ અને 'ફેડરેશન ઓફ ઇન્ડિયન એનિમલ પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશન' દ્વારા કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે. તેમની માંગ છે કે કાયદામાં સુધારો કરી આવા ગંભીર ગુનાઓ માટે 10 વર્ષની સજા અથવા આજીવન કેદની જોગવાઈ પુનસ્થાપિત કરવામાં આવે. હાલમાં, આ ગંભીર સામાજિક અને કાનૂની સમસ્યાના ઉકેલ માટે સરકારના નક્કર પગલાંની પ્રતિક્ષા સેવાઈ રહી છે.