સિટી ન્યૂઝ@રાજકોટ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પુરી થતાં હારેલા ઉમેદવાર હવે જીતેલા ઉમેદવારો સામે ગુસ્સો ઉતારવાનો શરુ કર્યું છે.ત્યારે પડધરી ભાજપ પ્રમુખના ભાઈને ખૂનની ધમકી આપી રૂ.12 હજારની લૂંટ નાસી છૂટેલા પડધરી તાલુકા પંચાયતના કોંગ્રેસ ઉમેદવારના પુત્ર સહિતના બે શખ્સોને પોલીસે પકડી કાર્યવાહી કરી હતી.બનાવ અંગે પડધરીના ધર્મશાળા ચોક પાસે લોહાણા શેરીમાં રહેતા વિપુલભાઈ પ્રફુલચંદ્ર કોટક (ઉ.વ.45) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભાવેશ રમણીક ચૌહાણ અને અકબર ઉર્ફે અકુડો વલુ હાલા (રહે બંને. પડધરી) નું નામ આપતાં પડધરી પોલીસે લૂંટ ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પોતે વ્યવસાયે એડવોકેટ છે અને તેમની ઓફિસ પડધરીના પનામ હોસ્પિટલ સામે ડોડીયા ચેમ્બરમાં આવેલ છે. તેમના ભાઈ દિવ્યેશભાઈ કોટક પડધરી તાલુકા ભાજપ પ્રમુખ છે.ગઈ તા.29-04 ના બપોરના સમયે તેઓ પોતાની ઓફિસ પર હતાં ત્યારે આરોપી ભાવેશ ચૌહાણ અને અકબર ઉર્ફે અકુડો ઘસી આવી તારો ભાઈ દિવ્યેશ ક્યાં છે પૂછી કહેવા લાગેલ કે, તારા ભાઈ દિવ્યેશ અને ચેતનસિંહ જાડેજાએ ગત ચૂંટણીમાં અમારા વિરુદ્ધમાં મત નખાવી અને અમને હરાવેલ છે, તેમ કહી એડવોકેટને બેફામ ગાળો આપી કહેલ કે તમે બંને ભાઈઓ રાત્રે ભેગા થાવ ત્યારે બંનેને ઘા ઝીંકી પુરા પુરા કરી નાખવા છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તેમજ આરોપી ભાવેશ ચૌહાણે એડવોકેટને પાછળથી પકડી રાખી આરોપી અકબર ઉર્ફે અકુડાએ તેઓની ઓફિસના ટેબલના ખાનામાં રાખેલ રૂપિયા 12,750 ની લૂંટ કરી ફરિયાદીને ધક્કો મારી ઓફિસની બહાર કાઢી બંને શખ્સો નાસી છૂટ્યા હતાં.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓના ભાઈ દિવ્યેશભાઈ પડધરી શહેર ભાજપ પ્રમુખ છે અને ચેતનસિંહ જાડેજા તેઓના મિત્ર તેમજ ભાજપ આગેવાન છે. ત્યારે આરોપી ભાવેશ ચૌહાણના માતા ભાનુબેન પડધરી તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર હતા અને તેઓ આ ચૂંટણીમાં હારી જતા તેમના ભાઈ દિવ્યેશભાઈએ આરોપીની માતા વિરુધ આ મત નંખાવ્યાનો ખાર રાખી બંને શખ્સોએ ખૂનની ધમકી આપી લૂંટ ચલાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી પડધરી પોલીસે ગુનો નોંધી પીએસઆઇ જે.જે.વાળા અને ટીમે તપાસ આદરી બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આદરી હતી.