મધ્ય એશિયામાં યુદ્ધના એંધાણ: અમેરિકાએ શક્તિશાળી મિસાઈલ ડીસ્ટ્રોયર તૈનાત કર્યું
- ઈરાન પર હુમલા માટે ટ્રમ્પને અપાયા વિવિધ વિકલ્પો; હાઈપરસોનિક મિસાઈલોના ઉપયોગની વિચારણા
- એડમિરલ બ્રૅડ કૂપરે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે કરી બેઠક; ઈરાનના સૈન્ય મથકો નિશાના પર
- સીઝફાયરની આડમાં હથિયારો એકઠા કરી રહ્યું છે ઈરાન; CENTCOM એ તસવીરો જાહેર કરી.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલી કેટલીક તસવીરોએ મધ્ય એશિયામાં યુદ્ધની સ્થિતિ સર્જાવાના સંકેત આપ્યા છે. અમેરિકા પોતાની નૌસેનાના જહાજોને અત્યાધુનિક હથિયારો, ઈંધણ અને જીવનજરૂરી સામગ્રીથી સજ્જ કરી મધ્ય એશિયામાં તહેનાત કરવાની તૈયારી કરી રહ્યું છે. ખાસ કરીને શક્તિશાળી ગાઈડેડ-મિસાઈલ ડીસ્ટ્રોયર 'યુએસએસ ડેલબર્ટ ડી બ્લેક' પર તમામ જરૂરી સંસાધનો ભરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેથી તે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ રહે.
રિપોર્ટ્સ અનુસાર, સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર એડમિરલ બ્રૅડ કૂપરે તાજેતરમાં વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં ઈરાન વિરુદ્ધ સંભવિત સૈન્ય કાર્યવાહી માટેના વિવિધ વિકલ્પો રજૂ કરવામાં આવ્યા હતા. જો પ્રમુખ ટ્રમ્પ હુમલાનો આદેશ આપે છે, તો ઈરાનની સૈન્ય તાકાત અને તેના મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 'નાનો પણ અત્યંત શક્તિશાળી હુમલો' કરવાની યોજના છે. આ ઓપરેશનમાં 'ડાર્ક ઈગલ' જેવી અત્યાધુનિક હાઈપરસોનિક મિસાઈલોનો ઉપયોગ કરવાની પણ ગંભીર વિચારણા ચાલી રહી છે.
અમેરિકન મીડિયાના અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન સીઝફાયરના સમયગાળાનો દુરુપયોગ કરી રહ્યું છે. ઈરાન અગાઉના હુમલાઓમાં કાટમાળ નીચે દબાયેલા હથિયારો અને મિસાઈલોને બહાર કાઢીને પોતાની શક્તિ એકઠી કરી રહ્યું હોવાનું અમેરિકી અધિકારીઓ માની રહ્યા છે. જો લશ્કરી સંઘર્ષ ફરી શરૂ થાય છે, તો ઈરાન પોતાની આ ડ્રોન અને મિસાઈલ ક્ષમતાનો ઉપયોગ મધ્ય પૂર્વના દેશો પર હુમલા કરવા માટે કરી શકે છે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
બીજી તરફ, ગુરુવારે રાત્રે ઈરાનની રાજધાની તેહરાનમાં અચાનક એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થવાના અહેવાલોથી ભયનું વાતાવરણ સર્જાયું હતું. ઈરાની મીડિયા મુજબ, જાસૂસી વિમાનો અથવા નાના ડ્રોનને તોડી પાડવા માટે આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી હતી. જોકે, આ કોઈ સામાન્ય લશ્કરી કવાયત હતી કે ખરેખર કોઈ બાહ્ય ખતરો હતો, તે અંગે ઈરાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
વૈશ્વિક નિષ્ણાંતોના મતે, અમેરિકાની આ સૈન્ય હિલચાલ ઈરાન પર દબાણ વધારવાની વ્યૂહરચના હોઈ શકે છે. જો ઈરાન પોતાની ગતિવિધિઓ પર અંકુશ નહીં લાવે, તો મધ્ય એશિયામાં ફરી એકવાર મોટા પાયે સૈન્ય સંઘર્ષ ફાટી નીકળવાની શક્યતા છે. હાલમાં સમગ્ર વિશ્વની નજર વ્હાઇટ હાઉસના આગામી નિર્ણયો અને મધ્ય એશિયાના સમુદ્રી ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવેલા શક્તિશાળી અમેરિકી જહાજો પર ટકેલી છે.