Loading Please Wait !!!
મંડપમાં મહાભારત : સ્ટેજ પર જ દગો

  • વર-કન્યા પક્ષ વચ્ચે છૂટા હાથની મારામારી

સિટી ન્યૂઝ@ઉત્તર પ્રદેશ : મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાના ઉમરેઠ વિસ્તારમાં એક એવો કિસ્સો બન્યો છે જેણે સૌને ચોંકાવી દીધા છે. ઉમરેઠના મુજાવર ગામે લગ્નના મંડપમાં જ્યારે વરમાળાની વિધિ ચાલી રહી હતી, ત્યારે દુલ્હને વરરાજાને બાજુ પર મૂકીને અચાનક સ્ટેજ પરથી ઉતરીને ત્યાં હાજર પોતાના પ્રેમીના ગળામાં વરમાળા પહેરાવી દીધી હતી. 
પરાસિયાથી ભલાવી પરિવારનો વરરાજા જાન લઈને મુજાવર ગામ પહોંચ્યો હતો. આતશબાજી અને ધામધૂમથી જાનનું સ્વાગત થયું અને મહેમાનો જમવાની મજા માણી રહ્યા હતા. જ્યારે વર-કન્યા વરમાળા માટે સ્ટેજ પર સામસામે ઉભા હતા, ત્યારે દુલ્હને મંડપમાં ઉભેલા પોતાના પ્રેમીને જોઈને અચાનક સ્ટેજ પરથી નીચે દોટ મૂકી હતી. દુલ્હનના આ પગલાથી રોષે ભરાયેલા પરિવારજનોએ મંડપમાં જ પ્રેમીને પકડીને ઢોર માર માર્યો હતો અને તેને ત્યાંથી ભગાડી દીધો હતો. જોકે, આ ઘટના બાદ જાનૈયાઓ અને કન્યા પક્ષ વચ્ચે ભારે બોલાચાલી થઈ અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. અપમાનિત થયેલા વરરાજાએ લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને જાન પરણ્યા વગર જ પાછી ફરી હતી.
યુવતીનો પ્રેમ સંબંધ છેલ્લા બે વર્ષથી ચાલતો હતો અને પરિવારના દબાણને વશ થઈને તે લગ્ન માટે તૈયાર થઈ હતી. પરંતુ અંતિમ ક્ષણે પ્રેમીને જોઈને તેણે મન બદલી નાખ્યું હતું. આ મામલે વર પક્ષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વર પક્ષે કન્યા પક્ષને આપેલા ઘરેણાં, વીંટી અને મોબાઈલ પાછા લઈ લીધા છે. હાલમાં પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને દુલ્હન હાલ તેના પરિવાર સાથે ઘરે જ છે.