Loading Please Wait !!!
ટ્રમ્પની ઈરાનને આખરી ચેતવણી: 'અમેરિકન જહાજોને અડશો તો નકશા પરથી ભૂંસી નાખીશું'

  • હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધના વાદળો, અમેરિકાએ શરૂ કર્યું ઓપરેશન 'પ્રોજેક્ટ ફ્રીડમ'
  • ટ્રમ્પના આક્રમક તેવરથી ઈરાન ફફડ્યું, હોર્મુઝની નાકેબંધી તોડવા અમેરિકન નૌકાદળ તૈનાત
  • દક્ષિણ કોરિયાના જહાજ પર હુમલા બાદ સ્થિતિ વણસી, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો

દુબઈ | સિટી ન્યૂઝ : અમેરિકા અને ઈરાન વચ્ચે સમુદ્રી સીમા પર અત્યારે તીવ્ર સંઘર્ષ ચાલી રહ્યો છે, જેણે વૈશ્વિક સ્તરે તણાવમાં ધરખમ વધારો કર્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અત્યાર સુધીની સૌથી કડક અને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકન જહાજો પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, તો તેનો વળતો જવાબ અત્યંત ઘાતક હશે. એક આક્રમક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો ઈરાન આવી હરકત કરશે તો તેના દળોને 'પૃથ્વીના નકશા પરથી ભૂંસી નાખવામાં આવશે'.

'પ્રોજેક્ટ ફ્રીડમ' અને સૈન્ય કાર્યવાહી ઈરાન દ્વારા પર્સિયન ગલ્ફમાં કરવામાં આવેલી નાકેબંધીને કારણે આંતરરાષ્ટ્રીય જળસીમામાં ગંભીર કટોકટી સર્જાઈ છે. આ નાકેબંધી તોડવા અને ત્યાં ફસાયેલા સેંકડો વ્યાપારી જહાજોને સુરક્ષિત બહાર કાઢવા માટે અમેરિકાએ 'પ્રોજેક્ટ ફ્રીડમ' નામનું ખાસ નૌકાદળ ઓપરેશન શરૂ કર્યું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના અહેવાલ મુજબ, અમેરિકન દળોએ ઈરાન તરફથી કરવામાં આવેલા ક્રૂઝ મિસાઈલ અને ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક હવામાં જ તોડી પાડ્યા છે. સંઘર્ષ દરમિયાન અમેરિકન હેલિકોપ્ટરોએ ઈરાનની 6 સશસ્ત્ર બોટનો નાશ કર્યો છે, જે વ્યાપારી જહાજો માટે જોખમ ઊભું કરી રહી હતી.

વૈશ્વિક અર્થતંત્ર પર સંકટના વાદળો આ સમુદ્રી ઘર્ષણની સીધી અસર વૈશ્વિક બજાર પર જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વનો સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ હોવાથી ત્યાં હજારો નાવિકો અને કરોડો ડોલરની માલસામાન સાથેના જહાજો ફસાયેલા છે. વીમા કંપનીઓએ આ વિસ્તારમાં જોખમનું સ્તર વધારી દેતા શિપિંગ ખર્ચમાં તોતિંગ વધારો થયો છે. પરિણામે, આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારમાં ક્રૂડ ઓઇલ અને ઈંધણના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, જે સમગ્ર વિશ્વના અર્થતંત્રને મંદી તરફ ધકેલી શકે છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આક્ષેપ કર્યો છે કે ઈરાને દક્ષિણ કોરિયાના એક એવા માલવાહક જહાજને પણ નિશાન બનાવ્યું છે જે અમેરિકાના રક્ષણ હેઠળ હતું. બીજી તરફ, ઈરાને પણ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે જો કોઈ વિદેશી શક્તિ તેની સરહદમાં પ્રવેશવાની કોશિશ કરશે, તો તેને દુશ્મન ગણીને કચડી નાખવામાં આવશે. હાલમાં બંને દેશો વચ્ચેની આ ખેંચતાણથી પશ્ચિમ એશિયામાં ગમે ત્યારે મોટા યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.