20 કરોડ વર્ષ જૂના જીવોના અવશેષોમાંથી સર્જાયો ક્રૂડનો ખજાનો
થેટિસ સમુદ્ર અને ટેક્ટોનિક પ્લેટ્સની ટક્કરે બદલ્યું મધ્ય પૂર્વનું નસીબ
ઝાર્ગોસ પર્વતમાળાના સર્જન પાછળ છુપાયેલું છે 'બ્લેક ગોલ્ડ'નું રહસ્ય
ગરમી અને દબાણના કારણે જીવોના મૃતદેહો ઈંધણમાં પરિવર્તિત થયા
નવી દિલ્હી | સિટી ન્યૂઝ : દુનિયામાં સૌથી વધુ ક્રૂડ ઓઈલ પર્શિયન ગલ્ફ વિસ્તારમાંથી મળી આવે છે, જેની પાછળનું મુખ્ય કારણ કરોડો વર્ષો પૂર્વેની ભૌગોલિક ઘટનાઓ છે. ભૂસ્તર શાસ્ત્રીઓના મતે, આજથી આશરે 10 થી 20 કરોડ વર્ષ પહેલાં આ વિસ્તારમાં 'થેટિસ-સી' નામનો વિશાળ અને ઊંડો સમુદ્ર અસ્તિત્વ ધરાવતો હતો. આ સમુદ્રમાં અસંખ્ય નાના-મોટા જીવો વસવાટ કરતા હતા, જેમના મૃત્યુ બાદ તેમના અવશેષો સમુદ્રના તળિયે જમા થતા ગયા અને કાળક્રમે ત્યાં મૃતદેહોના અનેક થર જામી ગયા હતા.
લાખો વર્ષો બાદ પૃથ્વીના પેટાળમાં એક મોટી ભૌગોલિક હલચલ થઈ, જેમાં અરેબિયન પ્લેટ અને યુરેશિયા પ્લેટ નામની બે વિશાળ ટેક્ટોનિક પ્લેટ્સ એકબીજા સાથે અથડાઈ હતી. આ પ્રચંડ ટક્કરને પરિણામે ઇરાક અને ઇરાનને અલગ કરતી ઝાર્ગોસ પર્વતમાળાની રચના થઈ. આ જ પ્રક્રિયા દરમિયાન પશ્ચિમમાં ઊંડી સમુદ્રી ખીણો બની અને ઇરાક, સીરિયા, જોર્ડન તથા કુવૈત જેવા વિસ્તારો સમુદ્રમાંથી બહાર આવી એક સુરક્ષિત ઢાલ સમાન ભૂમિભાગમાં ફેરવાઈ ગયા.
આ વિસ્તારના પેટાળમાં દબાયેલા જીવોના મૃતદેહો પર પાણી અને ખડકોનું પ્રચંડ દબાણ આવ્યું, જેના કારણે 'ઓઈલ ફોર્મેશન'ની નૈસર્ગિક પ્રક્રિયા શરૂ થઈ. અત્યંત ગરમી અને દબાણને લીધે આ જીવાશ્મો (ફોસિલ્સ) રાસાયણિક પ્રક્રિયા દ્વારા પ્રવાહી ઈંધણમાં રૂપાંતરિત થયા. આ જ કારણ છે કે ક્રૂડ ઓઈલને વૈજ્ઞાનિક ભાષામાં 'ફોસીલ ફ્યુઅલ' એટલે કે જીવાશ્મ ઈંધણ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેનો ઉદ્ભવ લાખો વર્ષ જૂના જીવોના અવશેષોમાંથી થયો છે.
મધ્ય પૂર્વના દેશોમાં આ કન્ડિશન અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ સઘન અને સાનુકૂળ હતી. ઊંડા ખાડા જેવી ભૌગોલિક રચનામાં જીવસૃષ્ટિના અવશેષો એકઠા થતા રહ્યા અને ઉપરથી કુદરતી દબાણ વધતું ગયું, જેના પરિણામે ત્યાં ક્રૂડ ઓઈલના વિપુલ ભંડારો તૈયાર થયા. ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિએ આ એક એવી પ્રક્રિયા હતી જેમાં પૃથ્વીની આંતરિક ગરમીએ એક વિશાળ 'રિફાઇનરી' તરીકે કામ કરીને જૈવિક કચરાને કિંમતી ઊર્જા સ્ત્રોતમાં ફેરવી નાખ્યો.
આજે સમગ્ર વિશ્વમાં જ્યાં પણ ક્રૂડ ઓઈલ મળી આવે છે, ત્યાં પાયામાં આ જીવાશ્મોની હાજરી જ જવાબદાર હોય છે. યુરોપિયન અને યુરેશિયન ટાઈટેનિક પ્લેટ્સના સંઘર્ષે ભલે પર્વતમાળાઓ રચી, પણ તેની સાથે માનવજાત માટે લાખો વર્ષો સુધી ચાલે તેવો ઈંધણનો ખજાનો પણ પૃથ્વીના પેટાળમાં સુરક્ષિત કરી દીધો. આમ, આપણે જે પેટ્રોલિયમ ઉત્પાદનો વાપરીએ છીએ તે વાસ્તવમાં પૃથ્વીના પ્રાચીન ઇતિહાસ અને જીવસૃષ્ટિના અંશો છે.