Loading Please Wait !!!
'બદલો નહીં, બદલાવ જોઈએ છે': બંગાળમાં ઐતિહાસિક જીત બાદ પીએમ મોદીનું ગર્જનાત્મક સંબોધન

  • બંગાળી પોશાકમાં સજ્જ મોદીએ કહ્યું- ગંગોત્રીથી ગંગાસાગર સુધી હવે કમળ ખીલ્યું છે
  • દિલ્હી ભાજપ મુખ્યાલયમાં વિજયોત્સવ, અધ્યક્ષ નીતિન નવીનને ગળે લગાવી પીએમએ આપી ક્રેડિટ
  • ગંગા કિનારે આવેલા તમામ રાજ્યોમાં હવે ભાજપ શાસન: પીએમ મોદીએ કાર્યકરોની સાધનાને વધાવી

નવી દિલ્હી | સિટી ન્યૂઝ : તાજેતરમાં જાહેર થયેલા વિધાનસભા ચૂંટણી પરિણામોમાં ભાજપ અને એનડીએના શાનદાર પ્રદર્શન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલય ખાતે ભવ્ય વિજય સંબોધન કર્યું હતું. બંગાળી પોશાકમાં સજ્જ પીએમ મોદીએ તેમના લાક્ષણિક અંદાજમાં પશ્ચિમ બંગાળમાં થયેલા સત્તા પરિવર્તનને આવકારતા કહ્યું હતું કે, "બંગાળ હવે હિંસામુક્ત બનશે. હવે ત્યાં બદલાની નહીં પણ બદલાવની રાજનીતિ થશે અને ભયને બદલે ભવિષ્યની વાત થશે."

વડાપ્રધાને આ જીતને અભૂતપૂર્વ ગણાવતા 'ગંગા કનેક્શન' નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ઉત્તરાખંડના ગંગોત્રીથી લઈને બંગાળના ગંગાસાગર સુધી હવે કમળ ખીલ્યું છે. ગંગાના કાંઠે આવેલા તમામ રાજ્યો - ઉત્તર પ્રદેશ, બિહાર અને હવે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકારો છે. તેમણે ઉમેર્યું કે આ જીત વર્ષોની કાર્યકરોની સાધનાનું પરિણામ છે. બંગાળમાં થયેલું 93 ટકા મતદાન લોકશાહીની જીત છે.

પીએમ મોદીએ આસામમાં સતત ત્રીજી વાર મળેલી જીત અને પુડુચેરીમાં એનડીએના વિજયનો શ્રેય વિકાસલક્ષી કાર્યોને આપ્યો હતો. તેમણે કહ્યું, "અમારો મંત્ર 'નાગરિક દેવો ભવ' છે. જનતા ભાજપ પર એટલા માટે ભરોસો કરે છે કારણ કે અમે તેમની સેવામાં સક્રિય છીએ. જ્યાં જ્યાં ભાજપ છે ત્યાં વિકાસ નિશ્ચિત છે." પીએમએ મહિલાઓ અને યુવાનોના ઉત્સાહપૂર્વક મતદાનને પણ બિરદાવ્યું હતું.

વિજયોત્સવ દરમિયાન એક હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું હતું. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પીએમ મોદીનું સ્વાગત કરવા ગયા, ત્યારે પીએમએ માળા પોતે પહેરવાને બદલે અધ્યક્ષના ગળામાં પહેરાવી દીધી હતી અને તેમની પીઠ થપથપાવીને જીતનો શ્રેય આપ્યો હતો. પીએમએ નોંધ્યું હતું કે નીતિન નવીને અધ્યક્ષ પદ સંભાળ્યા બાદ આ પહેલી વિધાનસભા ચૂંટણી હતી અને પરિણામો અત્યંત પ્રોત્સાહક રહ્યા છે.

પીએમ મોદીએ પોતાના 47 મિનિટના ભાષણમાં ચૂંટણી પંચ, સુરક્ષા દળો અને ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા તમામ કર્મચારીઓનો આભાર માન્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે દેશના 20 થી વધુ રાજ્યોમાં એનડીએની સરકાર હોવી એ દર્શાવે છે કે ભારતની જનતા વિકાસ અને સુશાસનના પક્ષમાં છે. બંગાળી પોશાકમાં પીએમનું આ સંબોધન પૂર્વ ભારતના રાજકારણમાં ભાજપના વધતા પ્રભાવનો મજબૂત સંકેત છે.