Loading Please Wait !!!
રાજકોટમાં `રેપિડો' બંધની ચિમકી!

  • રિક્ષા ચાલકોને અપાતા ભાડામાં રેપિડોએ ઘટાડો કરતા વિરોધ
  • પ્રતિ કિ.મી. 15 થી ઘટાડીને 12 રૂપિયા કરી દેવાયા
  • ત્રિકોણ બાગ ચોકમાં `ભાડા' કાપ કરતા રિક્ષાચાલકોએ `તાપ' દેખાડ્યો
  • રેપિડો કંપનીએ પાર્સલના ભાવમાં પણ ઘટાડો કર્યો
  • સરકારી ભાવ 18 રૂપિયા લાગુ કરવામાં નહીં આવે તો રેલી કાઢવામાં આવશે

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટમાં રેપિડોમાં ઓટો ચલાવતા રિક્ષાચાલકોને કંપની તરફથી અપાતા પ્રતિ કિમીના ભાડામાં 3 રૂપિયાનો ઘટાડો કરી દેવાતા રિક્ષાચાલકોમાં રોષ ફેલાયો છે. રાજકોટમાં 300 જેટલા રિક્ષાચાલકોએ આજે રેલી યોજી પ્રતિ કિમી 15 રૂપિયા ચૂકવવા માગણી કરી છે. જો કંપની દ્વારા માગણી સ્વીકારવામાં નહીં આવે તો રાજકોટમાં રેપિડોનું કામ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

રાજકોટમાં રેપિડોમાં ચાલતી ઓટોના ચાલકોને કંપની તરફથી પ્રતિ કિમી રૂપિયા 15ની ચૂકવણી કરવામાં આવતી હતી. પરંતુ, કોઈ કારણોસર કંપની દ્વારા પ્રતિ કિ.મી.ના ભાડામાં રૂપિયા 3નો ઘટાડો કરી રૂ. 12 ચૂકવવાની શરૂઆત કરતા રિક્ષાચાલકોમાં નારાજગી ફેલાઈ છે. આજે 300 જેટલા રિક્ષાચાલકોએ રાજકોટમાં રેલી યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

રીક્ષાચાલક કેતન વોરાએ જણાવ્યું હતું કે, અત્યારે અમે શાસ્ત્રી મેદાનમાં બધા ડ્રાઈવરો ભેગા થયા છીએ. અમારી એક જ માંગણી છે કે ભાવ વધારો. પ્રતિ કિલોમીટર 3 કાપવામાં આવે છે જે 15 કરવામાં આવે તેવી માગણી છે. નહિતર અમે રાજકોટમાં રેપિડોનું કામકાજ સંપૂર્ણપણે બંધ કરી દઈશું. અત્યારે અમને રીક્ષા ચાલકોને પ્રતિ કિલોમીટર 12 આપવામાં આવે છે જે પહેલા 15.60 હતો. જે ભાવ ફરી કરી આપવામાં આવે તેવી માંગણી છે. ગુજરાતના રીક્ષા એસોસિયેશનનો નિર્ણય છે કે પ્રતિ કિલોમીટર 18 આપવામાં આવે. જે સરકારી ભાવ છે. જોકે અમે સરકારી ભાવની તો માંગણી કરતા નથી. અમારો જે ભાવ હતો તે પણ ઘટાડી નાખવામાં આવ્યો છે. જેના કારણે અમે અહીં બધા ભેગા થયા છીએ અને શાસ્ત્રી મેદાનથી રેલી કાઢવાના છીએ. જો રેપોડો તરફથી યોગ્ય નિર્ણય લાવવામાં નહીં આવે તો અમે તેનું કામકાજ બંધ કરી દઈશું.

રેપિડો દ્વારા ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. જેને કારણે પ્રતિ કિલોમીટર અગાઉ જે 15 મળતા હતા તે ઘટાડીને 12 કરી નાખવામાં આવ્યા છે.