ચૂંટણી એફિડેવિટમાં ખોટું જાહેર કર્યાનો આરોપ : ભાજપ સભ્ય સામે ફરિયાદ
- અરજદારે પુરાવા સાથે કલેક્ટર અને DDO ને રજૂઆત કરી સભ્યપદ રદ કરવા માંગ કરી
- સરકારી જમીન પરના દબાણની માહિતી છુપાવ્યાનો ગંભીર આરોપ
સિટી ન્યૂઝ@અમરેલી : અમરેલી જિલ્લાના 28-શેલણા બેઠકના ભાજપના ચૂંટાયેલા જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશભાઈ હિંમતભાઈ પાનસુરીયા મોટા વિવાદમાં સપડાયા છે. વાંશિયાળી ગામના અરજદાર વિનોદભાઈ દેવશીભાઈ બગડાએ જિલ્લા કલેક્ટર, નાયબ ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને પ્રકાશભાઈનું સભ્યપદ તાત્કાલિક રદ કરવાની ઉગ્ર માંગ કરી છે.
અરજદારના જણાવ્યા અનુસાર, સાવરકુંડલા તાલુકાના વાંશિયાળી ગામે આવેલી સરકારી જમીન પર ભાજપના આ સભ્યએ ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. આ બાબતે કરવામાં આવેલી અરજીમાં આક્ષેપો કરાયા છે કે વાંશિયાળી ગામના સર્વે નંબર 265 પૈકી 2 અને ખાતા નંબર 971 વાળી જમીન જે સરકારી રેકોર્ડ પર છે, તેના પર સભ્ય દ્વારા બિનઅધિકૃત રીતે કબજો કરવામાં આવ્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે, પ્રકાશભાઈ પાનસુરીયાએ પોતાની ચૂંટણી સમયે રજૂ કરેલા એફિડેવિટ (સોગંદનામા) માં આ દબાણની વિગતો છુપાવી હોવાનો આરોપ છે, જે ચૂંટણી પંચના નિયમોનો સીધો ભંગ ગણાય છે.
આ ગંભીર બેદરકારી બદલ અરજદારે પ્રકાશભાઈ પાનસુરીયાને સભ્ય પદેથી ગેરલાયક ઠેરવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. હવે જોવાનું એ રહે છે કે જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી અધિકારી આ પુરાવાઓના આધારે ભાજપના પંચાયત સભ્ય સામે શું પગલાં લે છે.
પંચાયત અધિનિયમ 1993 મુજબ સભ્યપદ રદ થવાની શક્યતા
ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 57 મુજબ, કોઈપણ સરકારી જમીન પર દબાણ કરનાર વ્યક્તિ પંચાયતના સભ્ય તરીકે ચાલુ રહેવા માટે ગેરલાયક ઠરે છે. અરજદાર વિનોદભાઈએ પોતાની ફરિયાદના મજબૂત આધાર તરીકે જમીનના 7/12 અને 8-અ ના ઉતારા, દબાણ દર્શાવતા ફોટોગ્રાફ્સ અને સભ્યના ચૂંટણી સોગંદનામાની નકલ પણ પુરાવા રૂપે તંત્રને રજૂ કરી છે. જો આ પુરાવાઓ સાચા ઠરશે તો સભ્યપદ રદ થવાની પ્રબળ શક્યતા છે.