પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામના ધજાગરા: ઈરાનનો UAE પર મિસાઈલ અને ડ્રોન હુમલો
- ફુજૈરાહની ઓઈલ ફેસિલિટીમાં ડ્રોન અથડાતા 3 ભારતીયો ઘાયલ, એર ડિફેન્સે 4 મિસાઈલો તોડી પાડી
- ટ્રમ્પના 'મિશન હોર્મુઝ' થી ભડકેલા ઈરાનનો વળતો પ્રહાર, અબુ ધાબીએ વળતો જવાબ આપવા સુરક્ષિત રાખ્યો હક
- એડનોકના તેલ ટેન્કર પર હુમલાને અમીરાતે 'દરિયાઈ લૂંટ' ગણાવી, અમેરિકન સેના હાઈ-એલર્ટ પર
અબુ ધાબી | સિટી ન્યૂઝ : પશ્ચિમ એશિયામાં શાંતિના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે અને સ્થિતિ ઝડપથી વણસી રહી છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ સત્તાવાર રીતે દાવો કર્યો છે કે ઈરાન દ્વારા તેના સાર્વભૌમત્વ પર હુમલો કરીને મોટા પાયે મિસાઈલ અને ડ્રોન છોડવામાં આવ્યા છે. એપ્રિલની શરૂઆતમાં થયેલા નાજુક યુદ્ધવિરામ બાદ આ પ્રકારનો પ્રથમ મોટો હુમલો છે, જેને રોકવા માટે અમીરાતની એર ડિફેન્સ સિસ્ટમ રાત-દિવસ સક્રિય થઈ ગઈ છે. આ હુમલાને પગલે પશ્ચિમ એશિયામાં ફરી એકવાર મહાયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.
UAE ના સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા દ્વારા પુષ્ટિ કરી છે કે ઈરાન તરફથી છોડવામાં આવેલી 4 ક્રૂઝ મિસાઈલોની ઓળખ કરવામાં આવી હતી. જેમાંથી 3 મિસાઈલોને દરિયાઈ સીમામાં જ તોડી પાડવામાં આવી હતી, જ્યારે 1 મિસાઈલ સમુદ્રમાં ખાબકી હતી. સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે વિવિધ વિસ્તારોમાં સંભળાયેલા પ્રચંડ અવાજો મિસાઈલોને હવામાં નષ્ટ કરવાને કારણે હતા. વિદેશ મંત્રાલયે આ હુમલાની કડક નિંદા કરી છે અને જણાવ્યું છે કે તે પોતાની સુરક્ષા માટે વળતો જવાબ આપવાનો કાયદેસરનો અધિકાર ધરાવે છે.
આ સંઘર્ષની સૌથી ચિંતાજનક અસર ફુજૈરાહ અમીરાતમાં જોવા મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક ઈરાની આત્મઘાતી ડ્રોન ફુજૈરાહ સ્થિત ક્રૂડ ઓઈલ ફેસિલિટી સાથે ટકરાયું હતું, જેના કારણે ઓઈલ પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. 'ખલીજ ટાઈમ્સ' ના અહેવાલ મુજબ, આ દુર્ઘટનામાં ત્યાં કામ કરતા 3 ભારતીયો ગંભીર રીતે ઘાયલ થયા છે. સિવિલ ડિફેન્સની ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અમેરિકા અને ઈઝરાયલ સાથેના તણાવમાં અત્યારે UAE ઈરાન માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું હોય તેમ જણાય છે.
આ હુમલા પાછળ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાના પ્રયાસો જવાબદાર હોવાનું મનાય છે. અગાઉ UAE એ આરોપ લગાવ્યો હતો કે ઈરાને ADNOC ના એક તેલ ટેન્કર પર હુમલો કર્યો છે, જેને અબુ ધાબીએ ‘દરિયાઈ લૂંટ’ સમાન ગણાવ્યું હતું. 28 ફેબ્રુઆરીથી 8 એપ્રિલ સુધીના ગાળામાં ઈરાને અમીરાત પર અંદાજે 2,800 થી વધુ ડ્રોન અને મિસાઈલો છોડી હોવાના આંકડા સામે આવ્યા છે. યુદ્ધવિરામ હોવા છતાં આ હુમલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા જન્માવી છે.
વધતા તણાવને જોતા અમેરિકાએ પણ આક્રમક વલણ અપનાવ્યું છે. અમેરિકન સેનાના સેન્ટકોમ (CENTCOM) દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજોને સુરક્ષિત બહાર કાઢવા માટે મિશન શરૂ કરવામાં આવ્યું છે. વેપારી જહાજોની અવરજવરને સુરક્ષિત રાખવા માટે અમેરિકન નૌકાદળ પેટ્રોલિંગ કરી રહ્યું છે. જો સ્થિતિ વધુ ગંભીર બનશે તો આર્થિક રીતે મહત્વ ધરાવતા આ વિસ્તારમાં ઈંધણના ભાવ અને વૈશ્વિક સપ્લાય ચેઈન પર તેની માઠી અસર પડવાની પૂરેપૂરી શક્યતા છે.