Loading Please Wait !!!
ટ્રમ્પ સામે ઈરાન નરમ પડ્યું: પરમાણુ કાર્યક્રમ પર ચર્ચા કરવા તેહરાન સહમત

  • યુરેનિયમ સંવર્ધન 3.5 ટકા સુધી મર્યાદિત રાખવા અને હોર્મુઝ ખોલવા ઈરાનનો નવો પ્રસ્તાવ.
  • નાકાબંધી હટાવવાના બદલામાં જળમાર્ગો તબક્કાવાર ખોલવાની તૈયારી; પરમાણુ શરતોમાં મોટો ફેરફાર.
  • રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવા પ્રસ્તાવ પર વિચારાધીન, પરંતુ કરારની શક્યતા પર હજુ પણ શંકા

સિટી ન્યુઝ @ નવી દિલ્હી : હોર્મુઝ જળમાર્ગમાં ચાલી રહેલા લાંબા વિવાદ વચ્ચે હવે ઈરાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કડક તેવર સામે નરમ પડ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઈરાને પોતાની કેટલીક જૂની અને કડક શરતોમાં ફેરફાર કરીને અમેરિકા સાથેની ચર્ચામાં પોતાના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમને સામેલ કરવા માટે સહમતી દર્શાવી છે. અલ અરેબિયા ઇંગ્લિશના અહેવાલ મુજબ, તેહરાને હવે યુરેનિયમ સંવર્ધનને અંદાજે 3.5 ટકા સુધી મર્યાદિત રાખવા અને પોતાના હાલના સંવર્ધિત યુરેનિયમના જથ્થાને ધીમે-ધીમે ઘટાડવાનો મહત્વપૂર્ણ પ્રસ્તાવ મૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ઈરાને અમેરિકા સાથેની કોઈપણ વાટાઘાટોમાં પરમાણુ કાર્યક્રમને સામેલ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. ઈરાનનું વલણ હતું કે તેઓ આ મુદ્દો અન્ય સમસ્યાઓ ઉકેલાયા પછી ઉઠાવશે. આ પહેલા એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ જણાવ્યું હતું કે, તેમના પ્રસ્તાવના પ્રથમ તબક્કામાં હોર્મુઝમાં જહાજોની આવન-જાવન ફરી શરૂ કરવા અને અમેરિકાની નાકાબંધી ખતમ કરવાનો જ ઉલ્લેખ હતો, જ્યારે પરમાણુ ચર્ચાને ભવિષ્ય પર છોડવામાં આવી હતી.

જોકે, વર્તમાન બદલાયેલી સ્થિતિમાં ઈરાન હવે પરમાણુ કાર્યક્રમ પર તાત્કાલિક ચર્ચા માટે તૈયાર થઈ ગયું છે. ફેરફારવાળા નવા પ્રસ્તાવમાં એવી પણ જોગવાઈ છે કે જો અમેરિકા તેની નાકાબંધી હટાવે, તો ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીને તબક્કાવાર રીતે આંતરરાષ્ટ્રીય જહાજો માટે ફરીથી ખોલી દેશે. આ ઉપરાંત, તેહરાને આખા ક્ષેત્રમાંથી અમેરિકી સૈનિકો પાછા ખેંચવાની પોતાની વર્ષો જૂની માંગ પણ હવે પાછી ખેંચી લીધી છે, જે એક મોટો રાજદ્વારી ફેરફાર માનવામાં આવે છે.

તેના બદલે હવે ઈરાન માત્ર પોતાની સરહદોની આસપાસથી અમેરિકી સેનાને હટાવવા અને ભવિષ્યમાં કોઈપણ સંભવિત હુમલા સામે આંતરરાષ્ટ્રીય સ્તરની ગેરંટી માંગી રહ્યું છે. આ માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્વીકાર્યું છે કે તેઓ યુદ્ધનો અંત લાવવા માટે ઈરાનના આ નવા પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. જોકે, ટ્રમ્પે ઈરાન સાથે કોઈ ચોક્કસ કરાર થવાની શક્યતા પર હજુ પણ શંકા વ્યક્ત કરી છે.

ઈરાનના આ નરમ વલણને પશ્ચિમ એશિયામાં વધી રહેલા આર્થિક અને સૈન્ય દબાણનું પરિણામ માનવામાં આવે છે. જો આ વાટાઘાટો સફળ રહેશે, તો વૈશ્વિક તેલ બજાર અને દરિયાઈ સુરક્ષા માટે તે મોટા રાહતના સમાચાર સાબિત થશે. હાલમાં આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર અમેરિકાના આગામી પગલા પર ટકેલી છે કે શું તે ઈરાનના આ સુધારેલા પ્રસ્તાવને સ્વીકારીને શાંતિ તરફ આગળ વધશે કે નહીં.