ફિલિપાઈન્સમાં મેયોન જ્વાળામુખી ફાટ્યો: હજારો લોકોનું તાકીદે સ્થળાંતર
- એલર્ટ લેવલ-3 જાહેર, લાવાનો પ્રવાહ અને ભૂસ્ખલનની પ્રબળ આશંકા
- રિંગ ઓફ ફાયર'માં હલચલ વધતા 1,500 થી વધુ પરિવારો આશ્રય સ્થાને
- 6 કિમીની ત્રિજ્યાને ડેન્જર ઝોન જાહેર કરાયો, સેનાની મદદ લેવાઈ
મનીલા | સિટી ન્યૂઝ : ફિલિપાઈન્સની રાજધાની મનીલાના દક્ષિણ વિસ્તારમાં આવેલો પ્રખ્યાત અને સૌથી વધુ સક્રિય મેયોન જ્વાળામુખી રવિવાર સવારે અચાનક ભભૂકી ઉઠતા ખળભળાટ મચી ગયો છે. જ્વાળામુખી ફાટવાની સાથે જ સરકારે તત્કાળ પગલાં ભરીને આસપાસના નીચાણવાળા અને જોખમી વિસ્તારોમાં રહેતા હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે. વહીવટીતંત્રે નાગરિકોને કડક સૂચના આપી છે કે જ્વાળામુખીના મુખ્ય કેન્દ્રથી 6 કિમીની ત્રિજ્યામાં આવતા પ્રદેશમાં પ્રવેશ ન કરવો.
ધી વૉલ્કેનોલોજી ઇન્સ્ટીટયુટ દ્વારા તેના ફાઈવ સ્ટેપ સ્કેલ પર 'એલર્ટ લેવલ-3' જાહેર કરવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે, આ જ્વાળામુખી દ્વીપ સમૂહ રાષ્ટ્રના સૌથી સક્રિય જ્વાળામુખીઓ પૈકીનો એક છે. વર્તમાન સ્થિતિને જોતા પર્વત પરથી ગરમ લાવાનો પ્રવાહ વહેવાની અને સંભવિત ભૂસ્ખલન થવાની આશંકા સેવાઈ રહી છે. જ્વાળામુખીમાંથી નીકળતી ગરમી અને પથ્થરોને કારણે આસપાસના ગામડાઓ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે.
ફિલિપાઈન્સના ડિપાર્ટમેન્ટ ઓફ સોશ્યલ વેલ્ફેર એન્ડ ડેવલપમેન્ટે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં આશરે 1,500 પરિવારોને સલામત રીતે ઇવેક્યુએશન સેન્ટર્સમાં આશ્રય આપવામાં આવ્યો છે. સરકારી ડેટા મુજબ, શનિવાર સાંજથી જ જ્વાળામુખીમાં અસામાન્ય હલચલ જોવા મળી હતી અને આકાશમાં રાખના ગોટા ઉડવાની શરૂઆત થઈ ગઈ હતી. આલ્બે પ્રાંતમાં ચારે તરફ રાખ ફેલાઈ જવાને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેના પરિણામે મોટા પાયે ટ્રાફિકજામ થયો હતો અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
ભૌગોલિક દ્રષ્ટિએ ફિલિપાઈન્સ પેસિફિક મહાસાગરની આસપાસ આવેલી 'રિંગ ઓફ ફાયર'ના કેન્દ્રમાં સ્થિત છે. આ પટ્ટો ચીલીથી શરૂ થઈ ઉત્તર અમેરિકા, રશિયા અને જાપાન થઈને ન્યુઝીલેન્ડ સુધી વિસ્તરેલો છે. આ વિસ્તારમાં ટેક્ટોનિક પ્લેટ્સની સતત હલચલને કારણે જાપાનની જેમ જ ફિલિપાઈન્સમાં પણ વારંવાર જ્વાળામુખી વિસ્ફોટ અને ધરતીકંપ જેવી કુદરતી આપત્તિઓ સર્જાય છે. મેયોન જ્વાળામુખી અગાઉ પણ અનેકવાર વિનાશ નોતરી ચૂક્યો છે.
રાહતની વાત એ છે કે, અત્યાર સુધીના મેયોન જ્વાળામુખી વિસ્ફોટમાં કોઈ જાનહાનિ કે મોટા જાનમાલના નુકસાનના સમાચાર મળ્યા નથી. જોકે, રાખ પડવાને કારણે ખેતી અને સ્વાસ્થ્ય પર માઠી અસરો પડવાની ભીતિ છે. સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો સતત સ્થિતિ પર નજર રાખી રહી છે અને લોકોને માસ્ક પહેરવાની તેમજ બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. આગામી 48 કલાક આ વિસ્તાર માટે અત્યંત નાજુક માનવામાં આવી રહ્યા છે.