Loading Please Wait !!!
`આવારા નહીં હમારા' નારા સાથે શ્વાન રક્ષા માટે પદયાત્રા

  • લવ એનિમલ્સ રેલીમાં અઘોરીઓની એન્ટ્રી


સિટી ન્યૂઝ@રાજકોટ : તાજેતરમાં રાજકોટના કલ્યાણનગર વિસ્તારમાં એક નિર્દોષ શ્વાન પર લોખંડના પાઈપ વડે થયેલા જીવલેણ હુમલાની ઘટનાએ શહેરભરમાં ચકચાર મચાવી છે. માત્ર "ડિસ્ટર્બ થાય છે" જેવી સામાન્ય બાબતે થયેલી આ ક્રૂરતાના વિરોધમાં અને પ્રાણીઓ પ્રત્યે કરુણા જગાડવા માટે પોઝ હેવન ગ્રૂપ (Paws Heaven Group) દ્વારા રવિવારે લવ એનિમલ્સ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જામનગર રોડ પર ઘંટેશ્વર પાર્ક પાછળ કલ્યાણનગર વિસ્તારમાં એક શખ્સે શ્વાન પર લોખંડના પાઈપના 28 ઘા ઝીંકી તેને અર્ધમૃત કરી નાખ્યો હતો. આ દરમિયાન શ્વાનને બચાવવા વચ્ચે પડેલી મહિલા પર પણ હુમલાખોરે નિર્દયતાથી પ્રહાર કર્યા હતા.

આ મામલે હાલ પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરવામાં આવી છે. તા. 3 મે, રવિવારના રોજ સાંજે 6 વાગ્યે રેસકોર્સ આર્ટ ગેલેરીથી આ રેલીનો પ્રારંભ થયો હતો. રેલીમાં 250થી 300 જેટલા પ્રાણીપ્રેમીઓ સાથે બેડી ચોકડી પાસે આવેલા કાલભૈરવ મંદિરના અઘોરીઓ પણ જોડાયા હતા. કાલભૈરવ મંદિરના જે.ડી. બાપુ અઘોરીએ જણાવ્યું હતું કે, કાલભૈરવ દાદાના આદેશથી તેઓ મૂંગા પ્રાણીઓને ન્યાય અપાવવા માટે આ રેલીમાં જોડાયા છે અને સરકાર આ બાબતની ગંભીર નોંધ લે તેવી માંગ કરી છે.

રેસકોર્સ રીંગરોડ પર ફરેલી આ રેલીમાં લોકોએ વિવિધ સ્લોગન લખેલા બેનરો દર્શાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મુખ્યત્વે: "પ્રાણીઓ પર ક્રૂરતા = માનવતા પર કલંક" "આવારા નહીં હમારા હૈ" "હાથ ઉઠાવો રક્ષણ માટે - અત્યાચાર કરવા માટે નહીં" "ડોગ હેરેસમેન્ટ બંધ કરો" "હર જીવ કે લિયે પ્રેમ ઔર સમ્માન - યે ભી ઇસ ધરતી કે હિસ્સેદાર હૈ"