અમેરિકાનું મિશન 'પ્રોજેક્ટ ફ્રીડમ': હોર્મુઝ સ્ટ્રેટમાં બોડીગાર્ડ બનશે યુએસ નેવી
- ડોનાલ્ડ ટ્રમ્પનો માસ્ટર પ્લાન, વિશ્વના ફસાયેલા જહાજોને અમેરિકન યુદ્ધ જહાજો આપશે સુરક્ષા કવચ
- હોર્મુઝના સમુદ્રમાં ટ્રમ્પની સર્જિકલ સ્ટ્રાઈક: ફસાયેલા જહાજોને એસ્કોર્ટ કરી બહાર કાઢશે સેના
- પર્સિયન ગલ્ફમાં ટ્રમ્પનો દબદબો: પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ અમેરિકા અન્ય દેશોના જહાજોનો તારણહાર
વોશિંગ્ટન | સિટી ન્યૂઝ : અમેરિકા અને ઈરાન વચ્ચે સમુદ્રી સીમા પર અત્યંત નાજુક સીઝ ફાયર ચાલી રહ્યો છે, ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયાના રાજકારણમાં ગરમાવો લાવી દે તેવી મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે 'પ્રોજેક્ટ ફ્રીડમ' નામની એક મહત્વકાંક્ષી યોજના શરૂ કરી છે, જે અંતર્ગત અમેરિકન નૌકાદળ હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા વ્યાપારી જહાજોને 'બોડીગાર્ડ' બનીને સુરક્ષિત બહાર કાઢશે. આ યોજનાથી ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર આમને-સામનેનો સંઘર્ષ છેડાવાની શક્યતા વધી ગઈ છે.
રવિવારે મોડી રાત્રે પોતાના 'ટ્રુથ સોશિયલ' પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં પ્રમુખ ટ્રમ્પે લખ્યું હતું કે, દુનિયાના અનેક દેશોએ અમેરિકા પાસે મદદની માંગ કરી છે. જે દેશોને મધ્ય-પૂર્વના આ યુદ્ધ કે હિંસક વિવાદ સાથે કોઈ લેવા-દેવા નથી, તેમના વ્યાપારી જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા છે. આ દેશોની સુરક્ષા માટે અમેરિકાએ 'પ્રોજેક્ટ ફ્રીડમ' હાથ ધર્યું છે અને તે માટેની કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.
પ્રમુખ ટ્રમ્પે આ મિશનની વ્યુહરચના સમજાવતા જણાવ્યું કે, અમેરિકન નૌકાદળના નિષ્ણાતોએ હોર્મુઝમાંથી બહાર નીકળવાનો એક સુરક્ષિત માર્ગ શોધી કાઢ્યો છે. આ માર્ગ દ્વારા વ્યાપારી જહાજોને જ્યારે બહાર કાઢવામાં આવશે, ત્યારે તેમની બંને બાજુએ અમેરિકી નૌસેનાના શક્તિશાળી યુદ્ધ જહાજો ગોઠવવામાં આવશે. આ યુદ્ધ જહાજો એક સુરક્ષા કવચ (એસ્કોર્ટ) તરીકે કામ કરશે, જેથી કોઈ પણ શક્તિ તે જહાજો પર હુમલો કરવાની હિંમત ન કરી શકે.
બીજી તરફ, ઈરાને અમેરિકાની આ હિલચાલ સામે લાલ આંખ કરી છે. ઈરાની સત્તાવાળાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાની કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી હાલના સીઝ ફાયરનું સીધું ઉલ્લંઘન ગણાશે અને તેનો વળતો જવાબ આપવામાં આવશે. ઈરાનના આ આક્રમક વલણ છતાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા અન્ય દેશોને આપેલા સહાયના વચનથી પાછળ હટશે નહીં.
વિશ્વના સૌથી વ્યસ્ત ગણાતા આ દરિયાઈ માર્ગમાં અમેરિકાનો આ હસ્તક્ષેપ વૈશ્વિક અર્થતંત્ર અને ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. જો 'પ્રોજેક્ટ ફ્રીડમ' સફળ રહેશે તો ફસાયેલા સેંકડો જહાજો મુક્ત થશે, પરંતુ તે સાથે જ પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બને તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. અત્યારે આખા વિશ્વની નજર હોર્મુઝ સ્ટ્રેટમાં યુએસ નેવીની આગામી હિલચાલ પર ટકેલી છે.