Loading Please Wait !!!
દેશમાં પલટાયા રાજકીય સમીકરણો: બંગાળમાં પહેલીવાર ભાજપ સરકાર, આસામમાં

  • તમિલનાડુમાં 'થલપતિ' વિજયનો જાદુ ચાલ્યો, કેરળમાં કોંગ્રેસની વાપસી સાથે લેફ્ટનો સફાયો
  • બંગાળમાં 15 વર્ષનું TMC નું શાસન સમાપ્ત, તમિલનાડુમાં 64 વર્ષ પછી દ્રવિડિયન પક્ષો સત્તા બહાર
  • મોદીની 242 સભાઓ લાવી રંગ, 'પન્ના પ્રમુખ' સ્ટ્રેટેજી સામે મમતાના 12 મંત્રીઓ ધરાશાયી

ચેન્નઈ | સિટી ન્યૂઝ : ભારતીય રાજનીતિના ઈતિહાસમાં 2026ની વિધાનસભા ચૂંટણીના પરિણામો અત્યંત નિર્ણાયક સાબિત થયા છે. પાંચ રાજ્યોમાં થયેલી આ જંગમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળમાં સત્તા પરિવર્તન થયું છે, જ્યારે આસામ અને પુડુચેરીમાં જનતાએ સત્તાધારી પક્ષો પર ભરોસો યથાવત રાખ્યો છે. સૌથી મોટો ઉલટફેર પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ 15 વર્ષના તૃણમૂલ કોંગ્રેસના શાસનનો અંત આણીને પહેલીવાર સત્તા કબજે કરી છે. ભાજપ માત્ર 10 વર્ષના ટૂંકા ગાળામાં 3 બેઠકોથી વધીને 206 બેઠકો પર પહોંચી ગઈ છે.

પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત તેમના મંત્રીમંડળના 12 મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો છે. ભવાનીપુર બેઠક પર ભાજપના શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15,000 થી વધુ મતોથી પરાજય આપ્યો છે. 1972 પછી પહેલીવાર બંગાળમાં એવી સરકાર બનશે જે કેન્દ્રમાં પણ સત્તામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 242 બેઠકો પર પ્રચાર કર્યો હતો, જેમાંથી 184 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. પક્ષના 70% ના સ્ટ્રાઈક રેટ અને અમિત શાહની 'પન્ના પ્રમુખ' રણનીતિ સામે વિપક્ષી કિલ્લાઓ ધરાશાયી થયા છે.

તમિલનાડુમાં 64 વર્ષ જૂનો દ્રવિડિયન પક્ષોનો દબદબો એક્ટર 'થલપતિ' વિજયની માત્ર બે વર્ષ જૂની પાર્ટી TVK (તમિલગા વેત્રી કઝગમ) એ તોડી નાખ્યો છે. 108 બેઠકો જીતીને વિજય હવે તમિલનાડુના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. અહીં પણ મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જ્યાં મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન 8,795 મતોથી ચૂંટણી હારી ગયા છે. રોયાપુરમ બેઠક પરથી TVK ના ઉમેદવાર અને વ્યવસાયે રિક્ષાચાલક એવા વિજય ધામુએ પૂર્વ નાણામંત્રીને 55,000 મતોથી હરાવીને લોકશાહીનો અસલી પાવર બતાવ્યો છે.

દક્ષિણ ભારતના કેરળમાં પણ મોટું પરિવર્તન આવ્યું છે. 10 વર્ષ બાદ કોંગ્રેસના નેતૃત્વમાં UDF એ સત્તામાં વાપસી કરી છે. આ સાથે જ પાંચ દાયકામાં પહેલીવાર ભારતમાંથી લેફ્ટ શાસનનો સંપૂર્ણ સફાયો થયો છે. કેરળમાં સીએમ પિનરાઈ વિજયન સહિત 13 મંત્રીઓ હાર્યા છે. આસામમાં હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપે હેટ્રિક લગાવીને 82 બેઠકો સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. આસામમાં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે વર્તમાન સરકારનો એક પણ મંત્રી ચૂંટણી હાર્યો નથી, જે ભારતભરમાં એક નવો રેકોર્ડ છે.

પુડુચેરીમાં એન. રંગાસામી પાંચમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની પાર્ટી AINRC એ 12 બેઠકો જીતીને બહુમતી જાળવી રાખી છે. સમગ્ર દેશના પરિણામોનું વિશ્લેષણ કરીએ તો, ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ ચૂંટણી મજબૂત વાપસી સમાન રહી છે, જ્યારે પ્રાદેશિક પક્ષો અને લેફ્ટ ફ્રન્ટ માટે અસ્તિત્વનો સંકટ ઉભો થયો છે. આ પરિણામો આગામી 2029 ની લોકસભા ચૂંટણી પૂર્વે ભારતના રાજકીય નકશાને સંપૂર્ણપણે બદલી નાખનારા સાબિત થશે.