વ્યાજખોરોનો ત્રાસ: માતાની બીમારી માટે નાણાં લેનાર યુવાને રેસકોર્સમાં ઝેર પીધું
- `ભાઈ મને માફ કરજે, હું થાકી ગયો છું' લખેલી બે પાનાની હૃદયદ્રાવક ચિઠ્ઠી મળી : આઠ વ્યાજખોરો સામે ગુનો નોંધાશે
સિટી ન્યૂઝ@રાજકોટ : શહેરમાં વ્યાજખોરીનો રાક્ષસ વધુ એક પરિવારને ભરખી રહ્યો હોય તેવી ઘટના સામે આવી છે. રેલનગર વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય વાળંદ યુવાન કશ્યપભાઈ રમેશભાઈ લખતરીયાએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને ગત રાત્રે રેસકોર્ષ રીંગ રોડ પર ગેલેક્સી સિનેમા સામે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ આ યુવાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
ઘટનાસ્થળેથી પોલીસને બે પાનાની સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં યુવાને પોતાની વ્યથા ઠાલવી છે. તેણે લખ્યું છે કે, "ભાઈ હું તને આજ સુધી કહી ન શક્યો, અમુક વ્યક્તિઓ મને હેરાન કરે છે. બધાના પૈસા પુરા કરવામાં હવે હું પહોંચી શકતો નથી અને થાકી ગયો છું. તું મમ્મીનું ધ્યાન રાખજે". મારી પાસેથી વ્યાજખોરોએ વાહનો અને મોબાઈલ પણ પડાવી લીધા છે.
ચિઠ્ઠીમાં આક્ષેપ કરાયો કે કે માતાની સારવાર માટે લીધેલા નાણાંના બદલામાં યુવાનનું એક્ટિવા અને બાઈક પડાવી લીધા છે.તેમનો મોબાઈલ ફોન પણ લઈ લેવામાં આવ્યો છે. રોજ પ્રેશર કરીને વીકલી અને ડેઈલી ડાયરીના પૈસા ઉઘરાવવામાં આવતા હતા. હવે વ્યાજખોરો દુકાનનો સામાન ભરી જવાની અને દુકાનને તાળા મારી દેવાની ધમકી આપી રહ્યા હતા. પૃથ્વી, દેવેન્દ્ર, દિગ્વિજય, ધર્મેશ, અક્ષય, મનોજ અને પ્રકાશ જેવા નામનો ઉલ્લેખ છે. યુવાને જણાવ્યું છે કે તેના ડોક્યુમેન્ટ પર ત્રણ જગ્યાએ ડાયરી કરાવી છેતરપિંડી કરવામાં આવી છે. સતત પ્રેશરના કારણે તે પોતાની 'ધ બાર્બર શોપ' નામની હેર કટીંગની દુકાન પર પણ સમય આપી શકતા નહોતા.પોલીસે આ મામલે ચિઠ્ઠીના આધારે વ્યાજખોરો વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.