Loading Please Wait !!!
ડિજિટલ અંધકારમાં ફસાઈ રહ્યું ભવિષ્ય : સોશિયલ મીડિયા અને પોર્ન કોન્ટેન્ટનો વિનાશક પ્રભાવ : કિશોરોમાં વધતી ગૂનાહિત માનસિકતા

  • મોબાઈલના કારણે સગીરો શારીરિક રીતે વહેલા મોટા, પણ માનસિક રીતે પાછળ
  • માતા-પિતાની ગેરહાજરીમાં 80% સગીરો મેડિકલ કે જાતીય વિષયોની અધુરી માહિતી મેળવી જીવલેણ અખતરા કરે છે 


સિટી ન્યૂઝ@રાજકોટ : ફેસબુક,ઈન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ, ઓટીટી પ્લેટફોર્મ જેવા સોશિયલ મીડિયાના માધ્યમો પર પોર્નોગ્રાફી- રેપ સોંગના,હત્યા- દારૂ સેવન જેવા દ્રશ્યોના કારણે સગીરો ગુનેગાર બની રહ્યા છે,આ સગીરોમાં વધતા ગુનાઓ પાછળ જવાબદાર પરિબળોનું સૌરષ્ટ્ર યુનીવર્સીટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા મનોવૈજ્ઞાનિક પોસ્ટમોર્ટમ રીપોર્ટ તૈયાર કરી સંશોધન હાથ ધર્યું છે. આ સશોધનમાં સૌરષ્ટ્રમાં બનેલા ૧૦ ચકચારી કેસોનો ઊંડો અભ્યાસ કરાયો હતો.જેમાં ૮૦% કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે જ્યારે માતા-પિતા બંને વ્યવસાયાર્થે બહાર હોય ત્યારે એકલતામાં કિશોરો ગેરમાર્ગે દોરાય છે.આ ગંભીર કિસ્સાઓ પર પોતાનું મંતવ્ય રજૂ કરતા પ્રો. ડૉ. યોગેશ એ. જોગસણ (સીનિયર પ્રોફેસર, મનોવિજ્ઞાન ભવન)* જણાવે છે કે: "શાપર-વેરાવળ અને પોરબંદર જેવા કિસ્સાઓ એ વાતનો પુરાવો છે કે આજના બાળકોમાં 'અર્લી પ્યુબર્ટી' (વહેલી શારીરિક પરિપક્વતા) ઝડપથી આવી રહી છે, પરંતુ તેનું 'કોગ્નિટિવ મેચ્યોરિટી' (બૌદ્ધિક પરિપક્વતા) સાથે કોઈ સંતુલન નથી. ૧૨-૧૩ વર્ષના બાળકોમાં શારીરિક હોર્મોન્સ સક્રિય થઈ જાય છે, પરંતુ મગજનો જે ભાગ (Pre-frontal Cortex) સારા-નરસાનો વિવેક કરે છે, તે હજુ અપરિપક્વ હોય છે. પરિણામે, ક્ષણિક આવેગમાં આવીને તેઓ આવા જઘન્ય ગુનાઓ આચરે છે. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ કિસ્સાઓમાં માત્ર સજા પૂરતી નથી, પણ વ્યાપક મનોવૈજ્ઞાનિક પરામર્શ અને નૈતિક મૂલ્યોનું સિંચન અનિવાર્ય છે."

બદલાતી જીવનશૈલી અને આહારને કારણે 'અર્લી પ્યુબર્ટી' (વહેલી શારીરિક પુખ્તતા) આવી રહી છે. શારીરિક રીતે બાળક પ્રજનનક્ષમ બને છે, પરંતુ તેનું મગજ (ખાસ કરીને પ્રી-ફ્રન્ટલ કોર્ટેક્સ) પરિણામોનો વિચાર કરવા જેટલું પરિપક્વ હોતું નથી.
નૈતિક પતન અને ડિજિટલ પ્રભાવ: ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફીની સરળ ઉપલબ્ધતા અને રેપ મ્યુઝિક જેવા નકારાત્મક સાંસ્કૃતિક પ્રભાવો કિશોરોમાં 'વિકૃત કુતૂહલ' અને 'હાયપર-સેક્સ્યુઆલિટી' પેદા કરે છે.
યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પરથી મેડિકલ કે જાતીય વિષયોની અપરિપક્વ માહિતી મેળવી તેને અમલમાં મૂકવી એ જીવલેણ સાબિત થઈ રહ્યું છે.

કિશોરો ડિજિટલ દુનિયાના ખોટા આદર્શોને અનુસરતા હોવાથી બરબાદી તરફ 
કિશોરોમાં ગુનાહિત માનસિકતા પાછળ આવેગશીલતા  જવાબદાર છે. મગજમાં 'ડોપામાઈન' નો અતિરેક ત્વરિત આનંદ શોધે છે, જે તેમને ગુના તરફ ધકેલે છે. સોશિયલ મીડિયા પર સેંકડો મિત્રો હોવા છતાં, વાસ્તવિક જીવનમાં સંવાદના અભાવે કિશોરો ડિજિટલ દુનિયાના ખોટા આદર્શોને અનુસરે છે. આ ઘટાડવા માટે શાળાઓમાં માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પણ 'લાઈફ સ્કીલ એજ્યુકેશન' ફરજિયાત બનાવવું જોઈએ.આ ઉપરાંત  કિશોરાવસ્થાના શારીરિક ફેરફારો અને તેના કાયદાકીય (POCSO Act) પરિણામો વિશે વૈજ્ઞાનિક ઢબે સમજ આપવી તથા બાળકો સાથે 'ક્વોલિટી ટાઈમ' વિતાવવો અને મુક્ત સંવાદ સ્થાપિત કરવો. બાળકોના ડિજિટલ ગેજેટ્સ અને સોશિયલ મીડિયા એક્ટિવિટી પર કડક પણ પ્રેમાળ દેખરેખ રાખવી જરૂરી છે

10 ચકચારી અને હદયદ્રાવક કિસ્સાઓનો ઊંડો અભ્ય્સા 

  • શાપર-વેરાવળ (રાજકોટ ગ્રામ્ય): ૧૩ વર્ષની કિશોરીએ ૧૫ વર્ષના કિશોર સાથેના સંબંધોથી બાળકને જન્મ આપ્યો.
  • પોરબંદર: ૧૨ વર્ષના કિશોર દ્વારા ૪ વર્ષની બાળકી પર અત્યાચાર.
  • અમદાવાદ (ચાંદખેડા): સોશિયલ મીડિયાના મિત્ર દ્વારા ૧૪ વર્ષની કિશોરી ગર્ભવતી બની.
  • સુરત (પાંડેસરા): ૧૫ વર્ષની કિશોરીએ જાતે ગર્ભપાતની દવા લેતા સર્જાયેલી ગંભીર સ્થિતિ.
  • વડોદરા: ૧૩ વર્ષના છોકરા દ્વારા પડોશની બાળકી સાથે અશોભનીય વર્તન.
  • દિલ્હી (બવાના): ૧૫ વર્ષના કિશોર દ્વારા પિતરાઈ બહેન પર હુમલો.
  • મહારાષ્ટ્ર (પુણે): યુટ્યુબ જોઈ ૧૪ વર્ષની કિશોરીએ જાતે ડિલિવરી કરવાનો પ્રયાસ કર્યો.
  • રાજકોટ (શહેર): 16 વર્ષના તરૂણ દ્વારા સગીરા પર દુષ્કર્મ.
  • જામનગર: મોબાઈલ ગેમના મિત્ર સાથે ૧૫ વર્ષની સગીરાનું પલાયન અને શોષણ.
  • ભાવનગર: ૧૪ વર્ષની શાળાએ જતી કિશોરીની અપરિપક્વ ગર્ભાવસ્થા.