Loading Please Wait !!!
રામાયણમાં સાઈ પલ્લવીનો અવાજ નહીં સંભળાય, મેકર્સે ડાયલોગ ડબ કરાવવાનો લીધો નિર્ણય`

  • સીતા માતાના પાત્ર માટે હિન્દી ડબિંગ આર્ટિસ્ટની લેવાશે મદદ; ‘એક દિન’ ફિલ્મ બાદ લેવાયો નિર્ણય
  • આમિરના પુત્ર સાથેની ફિલ્મ ફ્લોપ જતા નિર્માતાઓ સાવધ; પાત્રની ગરિમા જાળવવા લીધો નિર્ણય
  • સાઉથની અભિનેત્રીનું હિન્દી નબળું હોવાથી જોખમ લેવા તૈયાર નથી નીતિશ તિવારી

સિટી ન્યુઝ @ મુંબઈ

રણબીર કપૂરની અત્યંત મહત્વાકાંક્ષી ફિલ્મ 'રામાયણ' ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મમાં સીતા માતાનું પવિત્ર પાત્ર ભજવી રહેલી સાઉથની જાણીતી અભિનેત્રી સાઈ પલ્લવીના ડાયલોગ્સ આ ફિલ્મમાં તેના પોતાના અવાજમાં નહીં હોય. ફિલ્મ નિર્માતાઓએ સાઈ પલ્લવીના ડાયલોગ્સ માટે હિન્દી ડબિંગ આર્ટિસ્ટનો સહારો લેવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી વિગતો અનુસાર, તાજેતરમાં જ સાઈ પલ્લવી અને આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની હિન્દી ફિલ્મ 'એક દિન' રિલીઝ થઈ છે. આ ફિલ્મ જોયા બાદ 'રામાયણ' ના મેકર્સને એવું લાગ્યું છે કે સાઈ પલ્લવીના હિન્દી ઉચ્ચારો અને ડાયલોગ ડિલિવરી સીતા માતાના ગંભીર અને શાલીન પાત્ર માટે પૂરતા નથી. સાઈ પલ્લવી મૂળ સાઉથની હોવાથી તેને હિન્દી બોલવામાં થોડી મુશ્કેલી પડી રહી છે, જેની સીધી અસર ફિલ્મની ગુણવત્તા પર પડી શકે છે.

નોંધનીય છે કે સાઈ પલ્લવી સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંથી એક છે, પરંતુ તેની પહેલી હિન્દી ફિલ્મ 'એક દિન' બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. પ્રેક્ષકોને તેનો અભિનય ગમ્યો છે પણ તેની ડાયલોગ ડિલિવરીમાં સાઉથ ઇન્ડિયન લહેકો જોવા મળ્યો હતો. 'રામાયણ' જેવી મેગા બજેટ અને ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલી ફિલ્મમાં મેકર્સ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી.

જોકે, હિન્દી સિનેમામાં આ કોઈ નવી વાત નથી. ભૂતકાળમાં પણ શ્રીદેવી, હેમા માલિની અને તાજેતરમાં કેટરિના કૈફ જેવી અનેક અભિનેત્રીઓના શરૂઆતના કરિયરમાં તેમના ડાયલોગ્સ પ્રોફેશનલ ડબિંગ આર્ટિસ્ટ પાસે ડબ કરાવવામાં આવતા હતા. શ્રીદેવીએ પણ પોતાની કારકિર્દીની શરૂઆતની અનેક સુપરહિટ ફિલ્મોમાં ડબિંગ આર્ટિસ્ટના અવાજનો ઉપયોગ કર્યો હતો.

નિર્માતાઓનું માનવું છે કે સીતા માતાનું પાત્ર અત્યંત સ્પષ્ટ અને શુદ્ધ હિન્દી (સંસ્કૃત મિશ્રિત) ની માંગ કરે છે. જો સાઈ પલ્લવીના ઉચ્ચારોમાં ખામી રહી જાય તો પાત્રની ગરિમા જળવાઈ નહીં રહે. આથી, તેના અભિનય અને એક્સપ્રેશન સાઈના રહેશે પરંતુ અવાજ કોઈ કુશળ ડબિંગ આર્ટિસ્ટનો હશે. હાલમાં આ મામલે ફિલ્મની ટીમ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ બોલિવૂડ વર્તુળોમાં આ વાત જોરશોરથી ચર્ચાઈ રહી છે.