Loading Please Wait !!!
વડતાલ મંદિરના મેનેજમેન્ટ ગુરુ શ્યામ સ્વામીનું નિધન

૪૦ વર્ષની નાની વયે સવારે આરતી કર્યા બાદ અક્ષરવાસી થયા

સિટી ન્યૂઝ@વડતાલ

સ્વામિનારાયણ સંપ્રદાયની મુખ્ય ગાદી વડતાલ ખાતે શ્રીજી મહારાજના અનન્ય સેવક અને વડતાલ મંદિરના આસિસ્ટન્ટ કોઠારી પૂજ્ય શ્યામવલ્લભદાસ સ્વામીનું (શ્યામ સ્વામી) ૧૪ મે ૨૦૨૬ ના રોજ દુખદ નિધન થયું છે. ભજન, ભક્તિ અને સેવાના પ્રતીક સમાન ૪૦ વર્ષીય શ્યામ સ્વામી સવારે ૧૦:૧૦ કલાકે રાજભોગ આરતી કરીને શ્રીજી મહારાજનું સ્મરણ કરતા અક્ષરવાસી થયા હતા. તેમના અચાનક વિદાયથી સંતગણ તેમજ દેશ-વિદેશના હરિભક્તોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. વડતાલ મંદિરમાં ઉજવાતા મોટા ઉત્સવો, મહોત્સવો અને સમૈયાઓ પાછળ શ્યામ સ્વામીનું માઈક્રો પ્લાનિંગ કામ કરતું હોવાથી તેઓ સંપ્રદાયમાં “મેનેજમેન્ટ ગુરુ” તરીકે ઓળખાતા હતા. વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન ડો. સંતવલ્લભદાસ સ્વામીએ જણાવ્યું કે, શ્યામ સ્વામી કાર્યનિષ્ઠ અને ઉત્સવ સમર્પિત સાધુ હતા, તેમના અક્ષરવાસથી સમગ્ર સત્સંગ સમાજમાં ક્યારેય ન પૂરી શકાય તેવી મસમોટી ખોટ પડી છે.

વડીલ સંત ડો. દેવપ્રકાશદાસ સ્વામીએ નોંધ્યું હતું કે, ૭૫ થી વધુ ગામોના સત્સંગી યુવાનો પર શ્યામ સ્વામીનો ભારે સત્સંગ પ્રભાવ હતો. રવિસભાના માધ્યમથી તેઓએ ઉત્સવો માટે સ્વયંસેવકોની આખી ટીમ તૈયાર કરી હતી. શ્યામ સ્વામીની કાર્યપ્રણાલીથી ખુદ સંપ્રદાયના આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ અને કોઠારી દેવપ્રકાશ સ્વામી સહિત સૌ કોઈ પ્રભાવિત હતા. આગેવાન ચેતન રામાણીએ પણ તેમના નિધન પર ઘેરો શોક વ્યક્ત કર્યો હતો. શ્યામ સ્વામીએ ધોમધખતો ઉનાળો, શિયાળો કે ચોમાસુ જોયા વિના તમામ દિવસો સરખા ગણી નિષ્ઠાપૂર્વક સમર્પિતભાવે સેવા કરી હતી. વડતાલમાં ઉત્સવોને આખરી ઓપ આપતા પૂર્વે તેમની દોડધામ તેમની કાર્યશક્તિનો પરિચય આપતી હતી. વડતાલ પધારતા તમામ સંતો-મહંતો, હરિભક્તો તેમજ રાજકીય અને સામાજિક પદાધિકારીઓને મીઠો આવકારો આપી, આગ્રહથી જમાડીને તેમના ઉતારાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં તેઓ ક્યારેય કચાશ રાખતા ન હતા.