મોડેલ બની કથાકાર!
=> અભ્યાસ કરતા પ્રવચન કઠિન: મોડેલથી સાધ્વી બનેલી હર્ષાનંદનો ખુલાસો
=> મોડેલમાંથી સાધ્વી બનેલી હર્ષા રિઠારિયા ઉર્ફે હર્ષાનંદ ગિરી બની
=> ઉજ્જૈનની કથામાં સંતોએ પ્રવચન રોકવાનો પ્રયાસ કર્યો
=> હર્ષાનંદ ગિરીએ યુવતીઓને તલવાર આપી લવ જેહાદ સામે શપથ લેવડાવ્યા
સિટી ન્યૂઝ@ઉજ્જૈન
મોડેલમાંથી સાધ્વી બનેલી હર્ષા રિઠારિયા ઉર્ફે હર્ષાનંદ ગિરી ફરી એકવાર ચર્ચામાં છે. ઉજ્જૈનના લક્ષ્મીપુરામાં સાત દિવસીય દેવી પ્રવચન કાર્યક્રમના સમાપન પર તેમણે કેટલાક સંતો પર તેમનું પ્રવચન રોકવાનો અને સમય ઘટાડવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.
હર્ષાનંદે ગુરુવારે મંચ પરથી કહ્યું કે, છેલ્લા બે-ત્રણ દિવસથી તેમને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ મા ભગવતીની કૃપાથી તેઓ અડગ રહ્યા. તેમણે કહ્યું, “જેના પર મા ભગવતીના આશીર્વાદ હોય, તેને કોઈ રોકી શકતું નથી. કોઈપણ રાક્ષસમાં એટલી શક્તિ નથી કે તે ધર્મના માર્ગને રોકી શકે.” કાર્યક્રમ બાદ જારી કરેલા એક વીડિયોમાં તેમણે દાવો કર્યો હતો કે શ્રદ્ધાળુઓની વધતી સંખ્યા અને મહિલાઓની ભાગીદારી જોઈને ચોથા દિવસથી તેમના પ્રવચનનો સમય ઘટાડવામાં આવતો હતો.
ઉજ્જૈનથી અંદાજે ૨૨ કિમી દૂર લક્ષ્મીપુરામાં ૮ મેથી શરૂ થયેલા ૧૦૮ કુંડીય યજ્ઞ દરમિયાન હર્ષાનંદે સાત દિવસ સુધી દેવી પ્રવચન આપ્યું હતું. કાળઝાળ ગરમી હોવા છતાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જેના કારણે પંડાલ બે વાર વધારવો પડ્યો હતો. સમાપન કાર્યક્રમમાં કરણી સેના તરફથી યુવતીઓને તલવારો વહેંચવામાં આવી હતી. હર્ષાનંદે મંચ પરથી ૧૧ યુવતીઓને તલવારો અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમણે યુવતીઓને લવ જેહાદ થી સતર્ક રહેવા અને સનાતન પરંપરા પ્રત્યે સમર્પિત રહેવાના શપથ લેવડાવ્યા હતા. સાથે જ તેમણે યુવતીઓને સ્વરક્ષણ માટે તલવારબાજી અને ઘોડેસવારી શીખવાની પણ સલાહ આપી હતી.
આશરે એક મહિના પહેલા હર્ષા રિઠારિયાએ ઉજ્જૈનના મૌની તીર્થ આશ્રમમાં પંચાયતી નિરંજની અખાડાના મહામંડલેશ્વર સ્વામી સુમનનંદ ગિરી મહારાજ પાસેથી સંન્યાસ લીધો હતો. સંન્યાસ બાદ તેમણે પોતાનું નામ બદલીને “સ્વામી હર્ષાનંદ ગિરી” રાખ્યું છે.
હર્ષાનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના ઝાંસીનો છે અને હાલમાં ભોપાલમાં રહે છે. તેમના પિતા દિનેશ બસ કંડક્ટર છે અને માતા કિરણ બુટિક ચલાવે છે. આધ્યાત્મિકતા તરફ વળ્યા પહેલા હર્ષા સ્ટેજ એન્કર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર હતી. ઈન્સ્ટાગ્રામ પર તેમના ૧૦ લાખથી વધુ ફોલોઅર્સ છે, જ્યાં તે ધાર્મિક અને આધ્યાત્મિક વિષયો પર કન્ટેન્ટ શેર કરે છે. તેઓ ગ્રેજ્યુએટ છે અને અમદાવાદથી યોગનો સ્પેશિયલ કોર્સ પણ કરેલો છે.