પડધરી સરકારી કોલેજમાં અંગ્રેજી ઈતિહાસની સીટો વધારવા માંગ
=> મહિનામાં માત્ર 2 થી 3 વખત જ કોલેજ આવતા ગેરહાજર પ્રિન્સિપાલ સામે ભારે રોષ
સિટી ન્યૂઝ@પડધરી
પડધરી ખાતે આવેલી કવિ દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. આર્ટસ વિભાગમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી એવા અંગ્રેજી અને ઇતિહાસ વિષયની સીટોમાં અચાનક ઘટાડો કરી દેવામાં આવતા વિદ્યાર્થી નેતા નિખિલ ભોજાણીએ ભારે વિરોધ નોંધાવી સીટો વધારવાની માંગ કરી છે.
નિખિલ ભોજાણીએ આક્ષેપ કર્યો છે કે, કોલેજના પ્રિન્સિપાલ કમલ છાયા પોતાની મનમાની ચલાવી રહ્યા છે. ગયા વર્ષે પણ વિદ્યાર્થીઓ પર દબાણ લાવીને ઈતિહાસ વિષય ન રાખવા અને અન્ય વિષયમાં એડમિશન લેવા માટે બળજબરીથી અરજીઓ લખાવવામાં આવી હતી. પ્રિન્સિપાલ દ્વારા એવું બહાનું આપવામાં આવે છે કે ફેકલ્ટી કે વિઝિટર મળતા નથી, પરંતુ વાસ્તવમાં વિઝિટર મળવા છતાં તેમને ઈરાદાપૂર્વક રાખવામાં આવતા નથી. ૭ વિષયોની કુલ ૧૭૦ સીટો હોય છે, એટલે ૧ વિષય દીઠ ૨૦ થી ૨૫ સીટો મળવી જોઈએ, પરંતુ તેમ થતું નથી.
આ ઉપરાંત, પ્રિન્સિપાલ કમલ છાયા મહિનામાં માત્ર ૨ થી ૩ વખત જ કોલેજ આવતા હોવાની પણ ગંભીર ફરિયાદ ઉઠી છે. તેમની ગેરહાજરીમાં જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદારી કોની તેવા સવાલો ઉભા થયા છે. આ સમગ્ર અવ્યવસ્થા અંગે નિખિલ ભોજાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સાથે ટેલિફોનિક વાતચીત કરી રજૂઆત કરી છે, જેના પગલે કુલપતિએ આ મામલે યોગ્ય તપાસની ખાતરી આપી છે.
સજાનો ભોગ બનેલા અધિકારીઓને પડધરી ન મુકવા અપીલ
વિદ્યાર્થી નેતા નિખિલ ભોજાણીએ સરકાર સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું છે કે, સજાનો ભોગ બનેલા કે વિવાદિત અધિકારીઓને પડધરી તાલુકામાં મુકવામાં ન આવે. આવા અધિકારીઓ અહીં આવીને શિક્ષણની વ્યવસ્થા ખોરવી નાખે છે અને નિયમોના લીરેલીરા ઉડાડે છે. નાના-મોટા પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. વિદ્યાર્થીઓના હિતમાં બંને વિષયોની સીટોમાં તાત્કાલિક વધારો કરવામાં આવે અને કોલેજનું મેનેજમેન્ટ નિયમિત થાય તેવી પ્રબળ માંગ ઉઠાવવામાં આવી છે.