Loading Please Wait !!!
દિલજીત દોસાંજ ભારતીય નહીં પણ અમેરિકી નાગરિક? સોશિયલ મીડિયા પર મોટો ઘટસ્ફોટ

  • 2022થી ભારતની નાગરિકતા છોડી દીધી હોવાનો દાવો; હવે વિઝા લઈને ભારત આવતા હોવાની ચર્ચા
  • પત્ની પણ અમેરિકી નાગરિક હોવાનું આવ્યું સામે; વિદેશી નાગરિકતાના કારણે ચૂંટણી લડવા પર રોક!
  • પંજાબ વિધાનસભા ચૂંટણી લડવાની ઓફર ઠુકરાવવા પાછળનું અસલી કારણ ‘સિટિઝનશિપ’?

સિટી ન્યુઝ @ મુંબઈ

પંજાબી સંગીત અને ફિલ્મોના સુપરસ્ટાર દિલજીત દોસાંજ હાલમાં પોતાની નાગરિકતાને લઈને વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. સોશિયલ મીડિયા અને વિવિધ મીડિયા પ્લેટફોર્મ પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલજીત હવે ભારતીય નાગરિક નથી, પરંતુ વર્ષ 2022થી તેણે અમેરિકાની નાગરિકતા સ્વીકારી લીધી છે. આ અહેવાલોએ તેના લાખો ચાહકો અને પંજાબના રાજકીય વર્તુળોમાં ભારે આશ્ચર્ય જન્માવ્યું છે.

મળતી માહિતી મુજબ, એવો દાવો થઈ રહ્યો છે કે દિલજીતે બે વર્ષ પહેલા જ ભારતની નાગરિકતા છોડી દીધી હતી અને હવે તે જ્યારે પણ ભારતમાં આવે છે અથવા પરફોર્મ કરે છે, ત્યારે તે વિદેશી નાગરિક તરીકે વિઝા મેળવીને આવે છે. તાજેતરમાં જ પંજાબ વિધાનસભાની આગામી ચૂંટણીઓ પૂર્વે દિલજીતને રાજકારણમાં જોડાવા માટે મોટી ઓફર મળી હોવાના સમાચાર આવ્યા હતા, પરંતુ તેણે આ ઓફર નકારી કાઢી હતી. હવે એવી ચર્ચા છે કે તે ભારતીય નાગરિક ન હોવાથી કાયદેસર રીતે ચૂંટણી લડી શકે તેમ નથી, જેના કારણે તેણે રાજકારણથી દૂરી બનાવી છે.

આ વિવાદમાં વધુ એક વિગત એવી સામે આવી છે કે દિલજીતની પત્ની પણ અગાઉથી જ અમેરિકી નાગરિક છે, જે પણ તેના અમેરિકા તરફના ઝુકાવનું એક કારણ હોઈ શકે છે. જોકે, ભારતમાં બેવડી નાગરિકતાની જોગવાઈ ન હોવાથી, જો કોઈ વ્યક્તિ અન્ય દેશની નાગરિકતા સ્વીકારે તો તેણે ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવો પડે છે. દિલજીતના કિસ્સામાં પણ આવું જ થયું હોવાનું માનવામાં આવે છે.

જોકે, આ સમગ્ર વિવાદ અને થઈ રહેલા દાવાઓ બાબતે દિલજીત દોસાંજ કે તેની ટીમ તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે નિવેદન જારી કરવામાં આવ્યું નથી. દિલજીત હાલમાં તેના વૈશ્વિક મ્યુઝિક ટૂર અને પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે, પરંતુ ભારત પ્રત્યેના તેના પ્રેમને જોતા ચાહકો આ વાત માનવા તૈયાર નથી. હવે જોવાનું એ રહે છે કે દિલજીત આ ગંભીર મુદ્દે ક્યારે મૌન તોડે છે અને સત્ય શું છે તે સ્પષ્ટ કરે છે.