Loading Please Wait !!!
ઈમ્પેક્ટ ફી કાયદો પ્રજાલક્ષી બનાવવા મયુર શાહની માંગ

» જટિલ નિયમોના કારણે નાગરિકોને એજન્ટો અને વચેટિયાઓના ચક્કર કાપવા પડે છે

» દંડની રકમ વાજબી કરી ઓનલાઇન મંજૂરી વ્યવસ્થા સરળ બનાવવાની કોંગ્રેસની માંગ

સિટી ન્યૂઝ@વડતાલ

રાજકોટ શહેરમાં ઈમ્પેક્ટ ફીનો કાયદો આજે સામાન્ય નાગરિકો માટે સૌથી મોટો માથાનો દુખાવો બની ગયો છે. આ મુદ્દે રાજકોટ કોંગ્રેસ શહેર સમિતિના મંત્રી મયુર શાહે સરકાર અને મહાનગરપાલિકા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, વર્ષોથી પોતાની જીવનભરની બચત અને લોન લઈને ઘર, દુકાન કે નાના વ્યાપાર માટે મિલકત ઊભી કરનાર લોકો આજે જટિલ નિયમો વચ્ચે પીસાઈ રહ્યા છે.

તેમણે જણાવ્યું છે કે ૧ તરફ સરકાર “સ્માર્ટ સિટી” અને વિકાસની મોટી મોટી વાતો કરે છે, જ્યારે બીજી તરફ સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો, નાના વેપારીઓ અને ગરીબ લોકો પર ઈમ્પેક્ટ ફીના નામે આર્થિક બોજ નાખવામાં આવી રહ્યો છે. રાજકોટમાં હજારો લોકો વર્ષોથી મિલકતના પ્રશ્નોને લઈને ઓફિસોના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમને તંત્ર તરફથી યોગ્ય માર્ગદર્શન કે સહકાર મળતો નથી. ઈમ્પેક્ટ ફીનો કાયદો એટલો જટિલ બનાવી દેવાયો છે કે ૧ સામાન્ય માણસને પોતાના જ ઘરની કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એજન્ટો અને વચેટિયાઓના ચક્કર કાપવા પડે છે. મનપા પર નિશાન સાધતા મયુર શાહે આક્ષેપ કર્યો હતો કે, લોકો માત્ર નિયમોની અસમજણ અને ભારે દંડના ડરથી માનસિક તણાવમાં જીવી રહ્યા છે. સરકારનો હેતુ લોકોને રાહત આપવાનો છે કે તેમને હેરાન કરવાનો? રાજકોટ મહાનગરપાલિકામાં લોકોની સમસ્યાઓ સાંભળવા કરતા માત્ર નોટિસો ફટકારવાની અને દંડ ઉઘરાવવાની દોડ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય નાગરિક વર્ષોથી ટેક્સ ભરે અને શહેરના વિકાસમાં યોગદાન આપે, છતાં તેના પ્રશ્નો સામે તંત્રની આંખો બંધ કેમ છે?

કાગળ પરનો વિકાસ છોડી વાસ્તવિક પ્રશ્નો ઉકેલો

કોંગ્રેસ આગેવાને માંગ કરી છે કે સરકારે તાત્કાલિક અસરથી ઈમ્પેક્ટ ફીના કાયદાને સરળ, પારદર્શક અને લોકો માટે અનુકૂળ બનાવવો જોઈએ. ઓનલાઇન ઝડપી મંજૂરીની વ્યવસ્થા થવી જોઈએ, દંડની રકમ વાજબી કરવી જોઈએ અને જૂના કેસોમાં માનવતાવાદી અભિગમ અપનાવવો જોઈએ. રાજકોટના લોકો વિકાસ વિરુદ્ધ નથી, પરંતુ વિકાસના નામે શોષણ સહન નહીં કરે, હવે સમય આવી ગયો છે કે સરકાર કાગળ પરનો વિકાસ છોડીને લોકોના વાસ્તવિક પ્રશ્નો તરફ ધ્યાન આપે.