Loading Please Wait !!!
કાન્સના રેડ કાર્પેટ પર અમદાવાદની આર્ટનો જાદુ: આલિયા ભટ્ટના ગાઉન પર અમદાવાદી કલાકારનું હેન્ડ પેઇન્ટિંગ

  • મ્યુરલિસ્ટ બાસુરી ચોકસીએ ૧૬૦ કલાકની મહેનતથી તૈયાર કર્યું આલિયાનું ‘ડ્રિમી’ આઉટફિટ
  • પ્રકૃતિ અને ફૂલોની થીમ પર તૈયાર થયેલા ગાઉન પર પીંછીના બારીક કામની પ્રશંસા
  • ૭૯મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળ્યું અદભૂત આર્ટિસ્ટિક કામ; વીડિયો અને ફોટો વાયરલ

સિટી ન્યુઝ @  ફ્રાન્સ

વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવા ૭૯મા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ (Cannes Film Festival) ની મંગળવાર, ૧૨ મેથી ફ્રાન્સમાં શાનદાર શરૂઆત થઈ છે. આ ગ્લોબલ ઇવેન્ટમાં ભારતની બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાના અનોખા લૂકથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. જોકે, આ વખતે આલિયાના આઉટફિટમાં એક ખાસ ‘અમદાવાદી’ કનેક્શન છે, જેણે ગુજરાતનું નામ ગ્લોબલ પ્લેટફોર્મ પર રોશન કર્યું છે.

આલિયા ભટ્ટે કાન્સના રેડ કાર્પેટ પર જે ગ્રીનમિન્ટ અને કલરફૂલ ગાઉન પહેર્યું છે, તેના પર અમદાવાદની જાણીતી મ્યુરલિસ્ટ અને આર્ટિસ્ટ બાસુરી ચોકસીએ પોતાના હાથે સુંદર પેઇન્ટિંગ કર્યું છે. સામાન્ય રીતે દીવાલો પર ભવ્ય મ્યુરલ્સ બનાવવા માટે જાણીતા બાસુરી ચોકસીએ આ વખતે કાપડ પર પ્રકૃતિ, વેલ અને ફૂલોની અદભૂત થીમ કંડારી છે.

અહેવાલો અનુસાર, આ ગાઉનને તૈયાર કરવામાં અને તેના પર બારીક હેન્ડ પેઇન્ટિંગ કરવામાં ૧૬૦થી વધુ કલાકોની સખત મહેનત લાગી છે. પીંછીના બારીક કામ અને કલાકારની ધીરજને કારણે ગાઉન પરના ફૂલો એકદમ જીવંત અને ‘ડ્રિમી’ લૂક આપી રહ્યા છે. આ અનોખા આઉટફિટની નોંધ આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ લેવાઈ છે.

આલિયા ભટ્ટે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ લૂકની તસવીરો શેર કરી છે, જેમાં તે કોઈ પરી (પ્રિન્સેસ) જેવી દેખાઈ રહી છે. ચાહકોને આલિયાનો આ સિમ્પલ છતાં કલાત્મક અંદાજ ખૂબ જ પસંદ આવ્યો છે. કાન્સ ફેસ્ટિવલ આગામી ૨૩ મે સુધી ચાલવાનો છે, જેમાં હજુ પણ ઘણા ભારતીય સિતારાઓ હાજરી આપવાના છે, પરંતુ શરૂઆતના દિવસોમાં જ આલિયા અને અમદાવાદી આર્ટિસ્ટ બાસુરી ચોકસીના કામની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.