શાહરૂખ ખાનનો ‘જવાન 2’ સાથે ફરી ધડાકો? એટલીએ સ્ક્રિપ્ટ ફાઈનલ કરી હોવાની ચર્ચા, ‘કિંગ’ બાદ આ પ્રોજેક્ટને અગ્રતા
-
ભણશાળીની રોમાન્ટિક ફિલ્મ હોલ્ડ પર? સાઉથના સુપરસ્ટાર વિલન સામે બાથ ભીડશે કિંગ ખાન
-
મેચ્યોર રોમાન્સને બદલે ફૂલ-ઓન એક્શન પેક્ડ ફિલ્મમાં દેખાશે શાહરૂખ; વિલનને લઈને અટકળો તેજ
-
‘કિંગ’ નું શૂટિંગ પૂર્ણ થતા જ શરૂ થઈ શકે છે સિક્વલની તૈયારી; એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડમાં નવી ચર્ચા
મુંબઈ: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની ફિલ્મોની જાહેરાત માત્રથી બોક્સ ઓફિસ પર હલચલ મચી જાય છે. હાલમાં શાહરૂખ પોતાની આગામી ફિલ્મ 'કિંગ' ના શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ સવાલ એ હતો કે આ ફિલ્મ પૂર્ણ થયા બાદ તે કયા પ્રોજેક્ટ પર કામ કરશે? તાજેતરની ચર્ચાઓ મુજબ, શાહરૂખ ખાને સંજય લીલા ભણશાળીની મેચ્યોર રોમાન્ટિક ફિલ્મની ઓફરને બદલે ડિરેક્ટર એટલીની ફિલ્મ 'જવાન ૨' ને અગ્રતા આપવાનું નક્કી કર્યું છે.
એટલીએ સ્ક્રિપ્ટ ફાઈનલ કરી સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિરેક્ટર એટલીએ 'જવાન ૨' ની સ્ક્રિપ્ટ તૈયાર કરી લીધી છે અને શાહરૂખ ખાનને તે અત્યંત પસંદ આવી છે. અગાઉ એવી વાતો હતી કે શાહરૂખ ભણશાળી સાથે લાંબા સમય બાદ રોમાન્ટિક ડ્રામામાં જોવા મળશે, પરંતુ 'જવાન' ની જંગી સફળતા બાદ શાહરૂખ ફરી એકવાર માસ એક્શન મનોરંજન તરફ વળ્યો હોય તેમ જણાય છે. 'કિંગ' નું શૂટિંગ આગામી કેટલાક મહિનાઓમાં પૂર્ણ થવાની સંભાવના છે, ત્યારબાદ 'જવાન ૨' ની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
સાઉથનો વિલન અને નવો અવતાર 'જવાન ૨' માં ફરી એકવાર સાઉથ અને બોલિવૂડનો સંગમ જોવા મળશે. ચર્ચા છે કે આ વખતે પણ શાહરૂખ સામે ટક્કર લેવા માટે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોઈ દિગ્ગજ કલાકારને ખલનાયકની ભૂમિકામાં લેવામાં આવશે. એટલી અને શાહરૂખની જોડીએ અગાઉ બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડ્યા હતા, ત્યારે આ સિક્વલને લઈને અત્યારથી જ સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ભણશાળીનો પ્રોજેક્ટ ક્યારે શરૂ થાય છે.