Loading Please Wait !!!
સંસદમાં મહિલા અનામતનો રણશિંગુ: પીએમ મોદી અને અખિલેશ યાદવ વચ્ચે જામ્યો શાબ્દિક જંગ

 

  • સરકારે સંસદમાં નારી શક્તિ વંદન અધિનિયમ સહિત ત્રણ મહત્વના બિલ રજૂ કર્યા.

  • લોકસભાની બેઠકો વર્તમાન 543 થી વધારીને 850 કરવા માટે સીમાંકનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો.

  • વડાપ્રધાન મોદીએ મહિલા અનામતને ઐતિહાસિક ક્ષણ ગણાવી વિપક્ષને સહકાર આપવા અપીલ કરી.

    ભારતીય સંસદના વિશેષ સત્રમાં આજે 'નારી શક્તિ વંદન અધિનિયમ' સહિત ત્રણ નિર્ણાયક વિધેયકો રજૂ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદને સંબોધતા જણાવ્યું હતું કે, આ એક ઐતિહાસિક ક્ષણ છે જે રાષ્ટ્રની નિર્ણય પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારીને સુનિશ્ચિત કરશે. પીએમ મોદીએ અગાઉના વિરોધ કરનારાઓને આડે હાથ લેતા કહ્યું કે, જે પક્ષોએ ૩૦ વર્ષ સુધી આ બિલનો વિરોધ કર્યો છે તેમને જનતાએ ઓળખી લીધા છે. હવે પાયાના સ્તરે મહિલા નેતૃત્વ સજ્જ થયું છે અને તેમને સંસદમાં આવતા કોઈ રોકી શકશે નહીં.

    સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે સરકારની મનશા પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ મહિલા અનામત આપવા માંગતી નથી, પરંતુ સીમાંકન અને વસ્તી ગણતરીની આડમાં તેને ટાળવા માંગે છે. અખિલેશ યાદવે આક્રમક રીતે પૂછ્યું હતું કે જે 21 રાજ્યોમાં ભાજપની સરકાર છે, ત્યાં કેટલી મહિલા મુખ્યમંત્રીઓ છે? તેમણે સીમાંકન બિલને પણ શંકાસ્પદ ગણાવી જણાવ્યું કે જાતિ આધારિત વસ્તી ગણતરીના ડરથી સરકાર પ્રક્રિયામાં વિલંબ કરી રહી છે.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા સ્પષ્ટ કર્યું કે ધર્મના આધારે મુસ્લિમોને અનામત આપવી ગેરબંધારણીય છે. તેમણે અખિલેશ યાદવને ટોણો મારતા કહ્યું કે જો સપા તમામ બેઠકો મુસ્લિમ મહિલાઓને લડવા આપે તો સરકારને કોઈ વાંધો નથી. જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે શાહે ખાતરી આપી હતી કે સરકારે આ અંગે નિર્ણય લઈ લીધો છે અને પ્રક્રિયામાં વિગતોનો સમાવેશ કરવામાં આવશે.

    નવા વિધેયક હેઠળ લોકસભાની બેઠકોમાં તોતિંગ વધારો સૂચવવામાં આવ્યો છે. વર્તમાન 543 બેઠકો વધારીને 850 સુધી લઈ જવાની દરખાસ્ત છે, જેમાં રાજ્યો માટે 815 અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 35 બેઠકો હશે. આ ફેરફારો માટે સીમાંકન આયોગની રચના અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદામાં સુધારા માટેના બિલો પણ રજૂ કરવામાં આવ્યા છે. જોકે, દક્ષિણ ભારતના રાજ્યોમાં આ પ્રક્રિયાથી પ્રાદેશિક સંતુલન બગડવાનો ભય સેવાઈ રહ્યો છે.

    બંધારણીય સુધારો હોવાથી સરકાર માટે સૌથી મોટો પડકાર આંકડાકીય બહુમતીનો છે. લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી માટે 360 મતોની જરૂર છે, જ્યારે ભાજપના નેતૃત્વવાળા NDA પાસે અત્યારે 293 સભ્યો છે. રાજ્યસભામાં પણ બહુમતી સાબિત કરવા માટે વિરોધ પક્ષો કે અપક્ષોના સમર્થનની અનિવાર્યતા રહેશે. વિપક્ષમાં રણનીતિને લઈને મતભેદો હોવા છતાં, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સીમાંકન પ્રક્રિયાને સરકારની મનસ્વી રીતે સીમાઓ નક્કી કરવાની પેરવી ગણાવી વિરોધ નોંધાવ્યો છે.