રાજકોટ મનપા ચૂંટણી માટે 'આપ'નું ગેરંટી કાર્ડ: શિક્ષણથી લઈને વેરા માફી સુધીના 9 મોટા વાયદાઓ સાથે 'અધિકાર પત્ર' જાહેર
-
શાસન આવશે તો વોર્ડ ઓફિસમાં લેમિનેટ કરીને લગાવાશે મેનિફેસ્ટો; જનતા દરેક કામનો હિસાબ માંગી શકશે
-
મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે સિટી બસ ફ્રી; રાજકોટને વર્લ્ડ ક્લાસ બનાવવા અજિત લોખીલનો હુંકાર
-
સામાન્ય સભાનું લાઈવ ટેલીકાસ્ટ અને નગરરાજ બિલ લાગુ કરવાની ખાતરી; લારી-ગલ્લા ધારકોને અપાશે ઓળખપત્ર
-
રાજકોટ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) એ રાજકોટ મહાનગરપાલિકા માટે પોતાનું ‘અધિકાર પત્ર’ જાહેર કરીને અન્ય રાજકીય પક્ષો સામે પડકાર ફેંક્યો છે. પ્રદેશ મંત્રી અજિત લોખીલે આ પત્ર જાહેર કરતા જણાવ્યું હતું કે, જો મનપામાં ‘આપ’ નું શાસન આવશે તો જનતાને તેમના અધિકારો માટેનું પારદર્શક શાસન પૂરું પાડવામાં આવશે. આ ઘોષણાપત્રની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને દરેક વોર્ડ ઓફિસ અને પદાધિકારીઓની ચેમ્બરમાં લેમિનેટ કરીને લગાડવામાં આવશે જેથી જનતા હિસાબ માંગી શકે.
શિક્ષણ અને આરોગ્ય પર ભાર અધિકાર પત્રમાં શિક્ષણને પ્રાથમિકતા આપતા દરેક વોર્ડમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શ્રેષ્ઠ શાળાઓ તેમજ ઈ-બુક્સ સાથેના વાંચનાલયો બનાવવાની જાહેરાત કરાઈ છે. આરોગ્ય ક્ષેત્રે રાજકોટના તમામ પરિવારોને કોઈપણ શરત વગર ₹5 Lakh સુધીનું ખાનગી હોસ્પિટલમાં સારવાર માટેનું વીમા કવર અને સામાન્ય બીમારીઓ માટે "Clinic On Wheel" ની સુવિધા આપવાનું વચન અપાયું છે. ડ્રગ્સ નાબૂદી માટે હોટસ્પોટ વિસ્તારોમાં CCTV અને લાઈટો લગાવવાની પણ ખાતરી આપી છે.
આર્થિક રાહત અને પરિવહન મધ્યમ વર્ગને આકર્ષવા માટે આમ આદમી પાર્ટીએ ઘર વેરો અડધો કરવાની અને પાણી વેરો સંપૂર્ણ માફ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ભાડે આપેલી પ્રોપર્ટીનો ટેક્સ પણ ઘટાડવામાં આવશે. જાહેર પરિવહનમાં મહિલાઓ, વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે સિટી બસમાં મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે. ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે વધુ પાર્કિંગ અને બ્રિજ નીચે ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવાનું આયોજન રજૂ કરાયું છે.
પારદર્શિતા અને જનસુવિધા વહીવટમાં પારદર્શિતા લાવવા માટે મનપાની સામાન્ય સભાનું ફેસબુક અને યુટ્યુબ પર લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે. ‘નગરરાજ બિલ’ દ્વારા બજેટમાં નાગરિકોની સીધી ભાગીદારી સુનિશ્ચિત કરાશે. લારી-ગલ્લા ધારકોને હેરાનગતિથી બચાવવા આઈ-કાર્ડ અપાશે અને રખડતા પ્રાણીઓ માટે ‘એનિમલ હોસ્ટેલ’ બનાવવામાં આવશે. રમતગમતના શોખીનો માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી અને મહિલાઓ માટે અલગ સ્પોર્ટ્સ સંકુલ ઉભા કરવાની પણ મહત્વકાંક્ષી જાહેરાત આ અધિકાર પત્રમાં કરવામાં આવી છે.
‘આપ’ ના અધિકાર પત્રના 9 મુખ્ય મુદ્દા: એક નજરે
-
શિક્ષણ: દરેક વોર્ડમાં સરકારી અંગ્રેજી-ગુજરાતી શાળાઓ અને જાહેર વાંચનાલયો.
-
આરોગ્ય: ₹5 Lakh નું હેલ્થ કવર અને મહોલ્લા ક્લિનિકની તર્જ પર 'ક્લિનિક ઓન વ્હીલ'.
-
વેરા: ઘર વેરો 50% માફ અને પાણી વેરો 100% માફ.
-
પરિવહન: મહિલાઓ, વિદ્યાર્થીઓ અને દિવ્યાંગો માટે સિટી બસમાં ફ્રી સવારી.
-
ભ્રષ્ટાચાર: ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા અને સામાન્ય સભાનું લાઈવ ટેલીકાસ્ટ.
-
પર્યાવરણ: વરસાદી પાણીનો નિકાલ અને વૃક્ષોની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક.
-
રમતગમત: ઇન્ટરનેશનલ ક્રિકેટ એકેડેમી અને મહિલા સ્પોર્ટ્સ સંકુલ.
-
જનસુવિધા: વોર્ડ ઓફિસેથી વહીવટ અને જરૂરિયાતમંદોને સસ્તા આવાસ.
-
અન્ય: એનિમલ હોસ્ટેલ અને લારી-ગલ્લા ધારકોને ઓળખપત્રની સુવિધા.
-