Loading Please Wait !!!
₹102 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં અભિનેત્રી રાન્યા રાવ જેલમુક્ત: 1 વર્ષ બાદ બેંગલુરુ જેલમાંથી આવશે બહાર, DRI ની અટકાયત મુદત પૂર્ણ

 

  • દુબઈની 30 ટ્રિપ અને 14 કિલો સોના સાથે થઈ હતી ધરપકડ; સસ્પેન્ડેડ DGP ની સાવકી પુત્રીના કેસમાં નવો વળાંક

  • 12.56 કરોડના સોના અને 2 કરોડની રોકડ સાથે પકડાઈ હતી રાન્યા રાવ; ED એ પણ કરી હતી 34 કરોડની મિલકતો જપ્ત

  • જાન્યુઆરી 2025 થી દુબઈના આશરે 30 ફેરા કર્યા હોવાનો DRI નો ધડાકો; સુરક્ષા એજન્સીઓની નજરથી બચવાની અનોખી તરકીબ

     બેંગલુરુ: કન્નડ ફિલ્મ ઉદ્યોગની અભિનેત્રી રાન્યા રાવ ઉર્ફે હર્ષવર્ધિની રાવ, જેની ગોલ્ડ સ્મગલિંગના મોટા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, તે એક વર્ષ બાદ જેલમાંથી મુક્ત થઈ રહી છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) ના સૂત્રોના જણાવ્યા અનુસાર, COFEPOSA એક્ટ હેઠળ તેની અટકાયતની મુદત ૨૨ એપ્રિલના રોજ પૂર્ણ થતા હવે તેની જેલમુક્તિનો માર્ગ મોકળો થયો છે. ઉલ્લેખનીય છે કે રાન્યા રાવ સસ્પેન્ડેડ DGP રેન્કના પોલીસ અધિકારી રામચંદ્ર રાવની સાવકી દીકરી છે.

    એરપોર્ટ પર ૧૪ કિલો સોના સાથે પકડાઈ હતી માર્ચ ૨૦૨૫ માં દુબઈથી બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરેલી રાન્યા રાવને DRI એ બાતમીના આધારે ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી ખાસ તૈયાર કરેલા બોડી જેકેટમાં છુપાવેલું ૧૪.૨૧૩ કિલો સોનું મળી આવ્યું હતું, જેની બજાર કિંમત આશરે ૧૨.૫૬ કરોડ રૂપિયા હતી. ત્યારબાદ તેના નિવાસસ્થાને દરોડા પાડતા ૨ કરોડથી વધુની રોકડ અને જ્વેલરી પણ મળી આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે તેણે અત્યાર સુધીમાં કુલ ૧૦૨ કરોડ રૂપિયાના સોનાની દાણચોરી કરી હતી.

    કમિશન અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ તપાસમાં ખુલાસો થયો હતો કે ૩૩ વર્ષીય રાન્યા રાવ જાન્યુઆરી ૨૦૨૫ થી અત્યાર સુધીમાં દુબઈની ૨૭ થી ૩૦ જેટલી ટ્રિપ્સ કરી ચુકી છે. દરેક ટ્રિપ દીઠ તેને ૧૨ થી ૧૩ લાખ રૂપિયાનું તોતિંગ કમિશન મળતું હતું. આ આખું ઓપરેશન એટલી વ્યવસ્થિત રીતે ચાલતું હતું કે તે લાંબા સમય સુધી સુરક્ષા એજન્સીઓની નજરમાંથી બચી શકી હતી. આ કેસમાં મની લોન્ડરિંગના પાસાની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જુલાઈ ૨૦૨૫ માં તેની ૩૪ કરોડ રૂપિયાની મિલકતો પણ જપ્ત કરી હતી.