સુરતમાં રૂપાલાનો ગર્જના: "ખાનદાન જોઈને મતદાન કરજો, જે તાકામાંથી સંસદ અને ગુજરાત સરકાર બની એ જ તાકામાંથી મનપા બનાવો"
-
વૈશ્વિક મંચ પર ભારતનો વટ- 'બીજા દેશોને બાપે માર્યા વેર છે, પણ ભારત સાથે લીલાલહેર છે'
-
મિશ્ર સરકાર પર કટાક્ષ- વિકાસના કામોમાં અડચણ ન આવે તે માટે ભાજપની આખી ટીમ જીતાડવા અપીલ
-
હવે યુદ્ધભૂમિમાં સફેદ ધ્વજ નહીં પણ તિરંગો હોય તો ફાયરિંગ નથી થતું; વૈશ્વિક નેતાઓ મોદીના પગે લાગે છે
સુરત : સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પ્રચારમાં ભાજપના સ્ટાર પ્રચારક પુરુષોત્તમ રૂપાલાએ ૨૨ એપ્રિલની રાત્રે વોર્ડ નંબર ૧૨ અને ૪-૫ માં જંગી જનસભા સંબોધી હતી. સુરતને ‘મિની ભારત’ ગણાવતા રૂપાલાએ કેન્દ્ર સરકારની વૈશ્વિક સફળતાઓ અને સ્થાનિક વિકાસના મુદ્દે વિપક્ષોને ઘેર્યા હતા. તેમણે મતદારોને સ્પષ્ટ સંદેશ આપ્યો કે સુરત જેવા ગ્લોબલ સિટીનો વહીવટ સોંપવા માટે ‘ખાનદાન’ જોઈને મતદાન કરવું જોઈએ, જેથી રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે તાલમેલ જળવાઈ રહે.
મેચિંગ કાપડ અને વિકાસની રાજનીતિ રૂપાલાએ પોતાની આગવી શૈલીમાં રાજકીય સમજણ આપતા કાપડનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, "જેવું પેન્ટ હોય એવું જ મેચિંગ બુશકોટનું કાપડ પહેરાય. જો નીચે ખાદીનો લેંઘો હોય અને ઉપર ગ્વાલિયરનું કાપડ પહેરીએ તો લોકો હસે." આ ઉદાહરણ દ્વારા તેમણે સમજાવ્યું કે જે તાકામાંથી સંસદ અને ગુજરાતની સરકાર બની છે, એ જ તાકામાંથી એટલે કે ભાજપના જ ઉમેદવારો દ્વારા કોર્પોરેશન બનાવવું જોઈએ, જેથી વિકાસના કામોમાં કોઈ અડચણ ન આવે અને કેન્દ્ર-રાજ્યની યોજનાઓનો સીધો લાભ સુરતને મળે.
વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો ઈરાન-ઈઝરાયલ અને રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતા રૂપાલાએ જણાવ્યું કે આજે દુનિયાના દેશોને અંદરોઅંદર ‘બાપે માર્યા વેર’ છે, પણ ભારત સાથે દરેકને ‘લીલાલહેર’ છે. આ ભારતનો વટ છે. તેમણે યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીનો કિસ્સો વર્ણવતા કહ્યું કે, પહેલા યુદ્ધ અટકાવવા સફેદ ધ્વજ વપરાતો, પણ હવે હાથમાં તિરંગો હોય તો પણ દુશ્મન દેશો ફાયરિંગ કરતા ડરે છે. રશિયા ભારતને તેલ આપવા તૈયાર છે અને અમેરિકા મદદ કરવા, આ બદલાતા ભારતની તસવીર છે.
રામ મંદિર અને ૩૭૦ પર વિપક્ષને ઘેર્યા વિરોધ પક્ષો પર કટાક્ષ કરતા રૂપાલાએ કહ્યું કે પહેલા લોકો કહેતા કે ‘મંદિર વહીં બનાયેંગે પર તારીખ નહીં બતાયેંગે’, હવે તારીખ પણ આવી ગઈ અને રામલલા બિરાજી પણ ગયા, પણ અફસોસ કે ટીકા કરનારાઓ દર્શન કરવા પણ ન જઈ શક્યા. કલમ ૩૭૦ હટાવવી એ મોદી-શાહની મક્કમતાનું પરિણામ છે. તેમણે મહિલાઓના સન્માન માટે ‘ઇજ્જત ઘર’ અને ‘નળથી જળ’ જેવી યોજનાઓના ફાયદા ગણાવ્યા હતા. અંતે તેમણે સુરતીઓને અપીલ કરી હતી કે ૨૬ એપ્રિલે વહેલા મતદાન કરી તેના વીડિયો વાયરલ કરજો, એ જ મોદી સાહેબની સાચી ‘પીઠ થપથપાવવી’ કહેવાશે.