Loading Please Wait !!!
વોટ આપવા કોઈને મજબૂર ન કરી શકાય: સુપ્રીમ કોર્ટે મતદાન ફરજિયાત કરવાની અરજી ફગાવી

 

  • સુપ્રીમ કોર્ટે દેશમાં મતદાન ફરજિયાત કરવાની અને મત ન આપનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવાની અરજી ફગાવી દીધી છે.

  • ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું કે મતદાન કરાવવું એ નીતિગત નિર્ણય છે, જે ન્યાયપાલિકાના અધિકારક્ષેત્રમાં આવતો નથી.

  • કોર્ટે સ્પષ્ટ કર્યું કે લોકશાહી કાયદાકીય દબાણ કરતાં જનજાગૃતિથી વધુ મજબૂત બને છે.

    ભારતીય લોકશાહીમાં મતદાન એ નાગરિકનો અધિકાર છે કે ફરજ, તે મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચે દેશમાં મતદાન ફરજિયાત કરવાની માંગ કરતી જનહિત અરજી (PIL) પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે લોકશાહી કાયદાકીય દબાણથી નહીં, પરંતુ જનજાગૃતિથી મજબૂત બને છે અને કોઈને મજબૂરીમાં મતદાન મથક સુધી ખેંચી શકાય નહીં.

    અરજદાર અજય ગોયલે સુપ્રીમ કોર્ટમાં એવી દાદ માંગી હતી કે જે લોકો જાણીજોઈને મતદાન કરવાથી દૂર રહે છે, તેમની સરકારી સુવિધાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે અને મતદાન ન કરવું તેને ગુનો જાહેર કરવામાં આવે. જોકે, ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આ તર્કને નકારતા સવાલ ઉઠાવ્યો હતો કે, "જો કોઈ ગરીબ વ્યક્તિ એવું કહે કે મારે મારી દૈનિક મજૂરી કમાવવી છે અને તેના કારણે હું મત આપવા જઈ શક્યો નથી, તો આપણે તેને શું કહીશું? શું મજૂરી કરવી એ ગુનો છે?"

    સુનાવણી દરમિયાન બેન્ચે વ્યવહારિક મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ચૂંટણીના દિવસે અનેક સરકારી કર્મચારીઓ અને જજો પણ ફરજ પર હોય છે. જો મતદાન ફરજિયાત કરી દેવાય તો કામના દિવસે અન્ય રાજ્યમાં જઈને મતદાન કરવું અશક્ય બની જાય. CJI એ ટકોર કરી હતી કે 75 વર્ષમાં ભારતીય જનતાએ લોકશાહી પર અપાર ભરોસો બતાવ્યો છે અને લોકો પોતાની મરજીથી મતદાન કરે તે જ લોકશાહીની સાચી જીત છે.

    અદાલતે અરજદારને સલાહ આપી હતી કે તેઓ પોતાની રજૂઆતો લઈને ચૂંટણી પંચ અથવા સંબંધિત નીતિ નિર્ધારકોનો સંપર્ક કરે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ પ્રકારની સમિતિની રચના કરવાનો કે પ્રતિબંધો લાદવાનો નિર્દેશ આપવો એ કોર્ટના કાર્યક્ષેત્રની બહાર છે. આ ચુકાદા સાથે જ મતદાનને ફરજિયાત બનાવવાના કાયદાકીય પ્રયાસો પર હાલ પૂરતું પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.