Loading Please Wait !!!
PM મોદીના લોકાર્પણ પૂર્વે પચપદરા રિફાઇનરીમાં ભીષણ આગ: CDU યુનિટમાં ધડાકો થતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા

 

  • રૂ. 79,450 કરોડના પ્રોજેક્ટમાં ઉદ્ઘાટનના 24 કલાક પહેલા જ દુર્ઘટના; ફાયર ફાઇટરોની ફોજ મેદાનમાં

  •  એક્સચેન્જર બ્લાસ્ટ બાદ ફાટી નીકળી આગ; સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ, આખું પરિસર ખાલી કરાવાયું

  •  મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સ્થળની મુલાકાત લેશે; શું આવતીકાલનું ઉદ્ઘાટન મોકૂફ રહેશે?

    રાજસ્થાન: રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં આવેલી દેશની પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ પચપદરા રિફાઇનરીમાં આજે સોમવારે (20 એપ્રિલ, 2026) બપોરે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના ત્યારે બની છે જ્યારે આવતીકાલે એટલે કે 21 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રિફાઇનરીનું લોકાર્પણ કરવાના છે. આગ એટલી વિકરાળ હતી કે રિફાઇનરીના પ્લાન્ટમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂરથી જોઈ શકાતા હતા.

    એક્સચેન્જર બ્લાસ્ટ બાદ આગ ભભૂકી પ્રાપ્ત વિગતો અનુસાર, રિફાઇનરીના મુખ્ય CDU (Crude Distillation Unit) યુનિટમાં એક્સચેન્જરમાં બ્લાસ્ટ થયો હતો, ત્યારબાદ તરત જ આગ લાગી હતી. નોંધનીય છે કે, વડાપ્રધાન આવતીકાલે આ જ યુનિટનું ઉદ્ઘાટન કરવાના હતા. આગ લાગતા જ રિફાઇનરી પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને સાવચેતીના ભાગરૂપે તમામ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કરોડોની મશીનરીને નુકસાન થયાની ભીતિ છે.

    સુરક્ષા એજન્સીઓ એલર્ટ ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને સિવિલ ડિફેન્સની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. 12 થી વધુ ફાયર ફાઇટરોની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ આજે સાંજે રિફાઇનરીની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી શકે છે.

    ઉદ્ઘાટન પર પ્રશ્નાર્થ? રૂ. 79,450 કરોડના ખર્ચે બનેલી આ ભારતની સૌથી આધુનિક રિફાઇનરી દેશની ઉર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વની છે. ઉદ્ઘાટનના માત્ર 24 કલાક પહેલા જ બનેલી આ દુર્ઘટનાને પગલે સુરક્ષા અને ઓપરેશનલ સજ્જતા સામે સવાલો ઉભા થયા છે. હવે જોવાનું એ રહેશે કે શું આવતીકાલનો કાર્યક્રમ નિર્ધારિત સમય મુજબ યોજાશે કે પછી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે