Loading Please Wait !!!
સુરત SOGનો ડિંડોલીમાં લાઈવ રેડ: 60 ટન ચોરીના સળિયા સાથે આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, ₹71 લાખનો મુદ્દામાલ જપ્ત

 

  • રાજસ્થાન અને UP ના ચાર શખ્સો પોલીસના સકંજામાં; ટ્રેલર અને લક્ઝરી કાર સહિતનો સામાન કબજે

  •  ટ્રક ડ્રાઈવર અને ક્લીનરની મિલીભગતથી થતી હતી ચોરી; મુખ્ય સૂત્રધાર જીતુ અને રાજન તિવારીની શોધખોળ તેજ

  •  બિલ્ડરો અને વેપારીઓ હવે પોલીસના રડારમાં; ચોરીનો માલ ખરીદનારાઓ સામે પણ થશે કડક કાર્યવાહી

    સુરત: સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ડિંડોલી વિસ્તારમાં બાતમીના આધારે એક અત્યંત સફળ ઓપરેશન પાર પાડીને બાંધકામમાં વપરાતા લોખંડના સળિયાની ચોરી કરતા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસેના રોડ પરથી અંદાજે 60 ટન (59,910 કિલોગ્રામ) TMT સળિયા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં સળિયા, ટ્રેલર અને ફોર-વ્હીલર સહિત કુલ ₹71,52,200 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

    સુનિયોજિત રીતે થતી હતી ચોરી ડીસીપી રાજદીપસિંહ નકુમના જણાવ્યા અનુસાર, આ એક વ્યવસ્થિત નેટવર્ક હતું. આરોપીઓ ટ્રક અને ટ્રેલર મારફતે પરિવહન થતા સળિયાના જથ્થામાંથી રસ્તામાં બારોબાર સળિયાની ચોરી કરી લેતા હતા. આ ચોરીના માલને તેઓ સુરતના સ્થાનિક બિલ્ડરો કે લોખંડના વેપારીઓને સસ્તા ભાવે પધરાવી દેવાની ફિરાકમાં રહેતા હતા. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર ભેરારામ જાખડ અને ક્લીનર નીંબારામ જાખડ સહિત ડિંડોલીમાં રહેતા પ્રદિપ ત્રીપાઠી અને પ્રદિપ શર્માનો સમાવેશ થાય છે.

    મુખ્ય સૂત્રધારો હજુ ફરાર પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગના મુખ્ય સૂત્રધારો જીતુ અને રાજન તિવારી છે, જેઓ હાલ પોલીસ પકડથી દૂર છે. આ બંને માસ્ટરમાઈન્ડ આખું નેટવર્ક ઓપરેટ કરતા હતા અને ચોરીના માલના વેચાણની ગોઠવણ કરતા હતા. તેમની ધરપકડ બાદ સુરતના કયા મોટા માથાઓ આ ચોરીનો માલ ખરીદતા હતા તે વિગતો બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે. ફરાર આરોપીઓ વિરુદ્ધ કલમ 370(4) હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    બિલ્ડરો અને વેપારીઓ પર લટકતી તલવાર SOG હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે અગાઉ આ ગેંગે કેટલા ટન સળિયાની ઉઠાંતરી કરી છે અને તે માલ કયા બિલ્ડરો કે વેપારીઓને વેચવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ વેપારી ચોરીનો માલ લેતા ઝડપાશે તો તેમની સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(2) અને 370(2) મુજબ ગુનો દાખલ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.