Loading Please Wait !!!
જૂનાગઢમાં રોકાણના નામે ₹21 Lakh નો ‘ધુંબો’: ડુંગળી-બટેટાના ધંધામાં ભાગીદારીની લાલચ આપી શખ્સ સાથે છેતરપિંડી

 

  • વંથલીના મુકેશભાઈ ભાખરને વિશ્વાસમાં લઈ પોરબંદર અને જૂનાગઢના બે શખ્સોએ આચરી લાખોની છેતરપિંડી

  •  ડુંગળી, લસણ અને આદુની ખરીદીના બહાને વિશ્વાસઘાત; વંથલી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો

  •  વસીમખાનજી બાબી પર ચાર શખ્સો તૂટી પડ્યા; ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા એ-ડિવિઝન પોલીસ દોડી આવી

    જૂનાગઢ જિલ્લામાં છેતરપિંડી અને હિંસાની બે અલગ-અલગ ઘટનાઓએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે. વંથલી પંથકમાં ખેતી પાકોના રોકાણના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે, જ્યારે જૂનાગઢ શહેરમાં રસ્તાના મુદ્દે ચાલી રહેલી મિટિંગ દરમિયાન એક યુવાન પર હિંસક હુમલો થતા ચકચાર મચી ગઈ છે.

    ₹21 Lakh ની છેતરપિંડીનો મામલો મૂળ થાણા પીપળી (વંથલી) ના અને હાલ જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા મુકેશભાઈ શાંતિલાલ ભાખર (50) ને આરોપીઓ રમેશ ઉર્ફે રૂદ્રભાઈ પરસોતમ ગોકાણી (રહે. પોરબંદર) અને રામભાઈ ભુપતભાઈ દીવરાણીયા (રહે. જૂનાગઢ) એ વિશ્વાસમાં લીધા હતા. આરોપીઓએ ડુંગળી, બટેટા, લસણ અને આદુ જેવા પાકોની ખરીદીમાં રોકાણ કરવાની લાલચ આપી ગત વર્ષે મે થી જુલાઈ દરમિયાન અલગ-અલગ રીતે ₹21 Lakh મેળવ્યા હતા. જોકે, રોકાણ બાદ મૂળ રકમ પણ પરત ન આપતા મુકેશભાઈએ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

    રસ્તાની મિટિંગમાં લોહિયાળ ખેલ જૂનાગઢની કેબ્રીજ શેરી-3 માં રહેતા વસીમખાનજી શૌકતઅલી ખાનજી બાબી (34) જ્યારે અન્ય લોકો સાથે રસ્તાના મુદ્દે મિટિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક હિંસા ભડકી ઉઠી હતી. આરોપી સબીર અલારખા કચરા, સલીમ દાતારી, રફીક દાતારી અને રફીકના નાના ભાઈએ વસીમખાનજી પર હુમલો કર્યો હતો. આરોપીઓ લોખંડના પાઈપ, લાકડાના ધોકા અને પ્લાસ્ટિકના પાઈપ જેવા હથિયારો સાથે તૂટી પડ્યા હતા અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

    પોલીસ કાર્યવાહી તેજ છેતરપિંડીના કેસમાં વંથલી પોલીસે અને હુમલાના કેસમાં જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હુમલાની ઘટનામાં સામેલ શખ્સોની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, જ્યારે છેતરપિંડીના કેસમાં આર્થિક વ્યવહારોની કડીઓ મેળવવામાં આવી રહી છે. એક જ દિવસમાં બનેલી આ બે ઘટનાઓથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચર્ચાનો વિષય બની છે.