આલિયા ભટ્ટના નામે પાકિસ્તાની બ્રાન્ડની મોટી છેતરપિંડી: AI થી મોર્ફ્ડ કરેલા ફોટા વાપરી વેચ્યા કપડાં
-
‘વજાયશા ઓફિશિયલ’ નામના પેજ પર આલિયાના ચહેરા સાથે છેડછાડ; વિવાદ છતાં બ્રાન્ડે કહ્યું- ‘અમને વાયરલ કરો’
-
યુઝર્સે કેસ કરવાની ચેતવણી આપી તો બ્રાન્ડે ઉદ્ધત જવાબ આપ્યો- ‘તેઓ કેસ નહીં કરે’; સોશિયલ મીડિયા પર હોબાળો
-
ફેબ્રુઆરી ૨૦૨૬ ના મિલાન ફેશન વીકના લુક સાથે પણ છેડછાડ; ચાહકોએ આલિયાની ટીમને ટેગ કરી કાર્યવાહીની માંગ કરી
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો દુરુપયોગ હવે સેલિબ્રિટીઓ માટે શિરોદર્દ બની રહ્યો છે. તાજેતરમાં પાકિસ્તાની ક્લોથિંગ બ્રાન્ડ ‘વજાયશા ઓફિશિયલ’ એ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની AI થી એડિટ કરેલી તસવીરોનો ઉપયોગ પોતાના કપડાં વેચવા માટે કરતા મોટો વિવાદ સર્જાયો છે. બ્રાન્ડે આલિયાના ૨૦૨૪ ના લોરિયલ રેમ્પ વોક અને ફેબ્રુઆરી ૨૦૨૬ ના ગુચી મિલાન ફેશન વીકના લુકને એડિટ કરીને પોતાના સિલ્ક કલેક્શનના કપડાં પર સુપરઇમ્પોઝ કર્યા છે.
બ્રાન્ડની ઉદ્ધતાઈ અને યુઝર્સનો રોષ જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સે આ છેતરપિંડી પકડી પાડી અને બ્રાન્ડને કેસ (Lawsuit) કરવાની ચેતવણી આપી, ત્યારે બ્રાન્ડે કોઈ પણ ડર વગર જવાબ આપ્યો કે, “તેમને વાયરલ કરી દો જેથી આલિયાને પણ ખબર પડે.” બ્રાન્ડે તો ત્યાં સુધી કહી દીધું કે આલિયા તેમના પર કેસ નહીં કરે. આ ઉદ્ધત જવાબને કારણે ઇન્ટરનેટ પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. યુઝર્સ આને સંપૂર્ણપણે કોપીરાઈટનું ઉલ્લંઘન અને કોમર્શિયલ છેતરપિંડી ગણાવી રહ્યા છે.
આલિયાની પ્રતિક્રિયાની આતુરતા બ્રાન્ડે ઇન્સ્ટાગ્રામ પર દાવો કર્યો હતો કે આલિયા ભટ્ટને તેમનું કલેક્શન પસંદ છે, પરંતુ વાસ્તવમાં આલિયાએ આવું કોઈ શૂટ કર્યું જ નથી. ચાહકો સતત આલિયા ભટ્ટ અને તેની ટીમને ટેગ કરી રહ્યા છે જેથી આ પાકિસ્તાની બ્રાન્ડ સામે કાનૂની કાર્યવાહી કરી શકાય. નોંધનીય છે કે અગાઉ પણ રશ્મિકા મંદાના અને કાજોલ જેવી એક્ટ્રેસ પણ AI ડીપફેક અને મોર્ફ્ડ તસવીરોનો શિકાર બની ચૂકી છે.