ચલથાણ બ્લાસ્ટમાં મોતના સમાચારથી આભ ફાટ્યું: ગેસ લીકેજની ઘટનામાં માસૂમ સહિત 3 ના મોત, 6 દિવસ બાદ હોસ્પિટલમાં દમ તોડ્યો
-
ભૂલથી ગેસ ચાલુ રહી જતાં ‘ગેસ ચેમ્બર’ બનેલા રૂમમાં થયો હતો ભીષણ ધડાકો; ઘરમાલિક અને પાડોશી મહિલાનું પણ મોત
-
ભાડે આપેલા મકાનોમાં સુરક્ષાના અભાવે વધુ એક માસૂમે જીવ ગુમાવ્યો; ઔદ્યોગિક વિસ્તારોમાં લાલબત્તી સમાન ઘટના
-
નીરજ મિશ્રા અને યાદવ પરિવાર પર વજ્રઘાત; સ્પાર્ક થતા જ રૂમમાં થયો હતો પ્રચંડ વિસ્ફોટ
સુરત: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે ગત 17 તારીખે બનેલી ગેસ લીકેજની દુર્ઘટનામાં અત્યંત દુઃખદ વળાંક આવ્યો છે. આ ભીષણ વિસ્ફોટમાં ગંભીર રીતે દાઝી ગયેલા 6 લોકો પૈકી 3 લોકોના સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યાં છે. આ ઘટનામાં ઘરમાલિક નીરજ મિશ્રા, પાડોશી મહિલા દુર્ગાવતી દેવી અને તેમના માસૂમ પુત્ર અનુજે જીવ ગુમાવતા સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો છે.
એક ભૂલ અને સર્જાઈ હોનારત ચલથાણની ખુમાનસિંહ વાડી વિસ્તારમાં બનેલી આ ઘટનાની વિગત એવી છે કે, નીરજ મિશ્રા સવારે રસોઈ બનાવ્યા બાદ ગેસનું નોબ બંધ કરવાનું ભૂલી ગયા હતા. આખો દિવસ રૂમ બંધ હોવાથી અને વેન્ટિલેશનની કોઈ વ્યવસ્થા ન હોવાથી રૂમમાં ગેસ ભરાઈ રહ્યો હતો. સાંજે જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે ગેસની તીવ્ર વાસ આવતી હોવા છતાં, તેમણે રૂમનો દરવાજો ખોલી લાઈટની સ્વિચ ચાલુ કરી હતી. સ્વિચના સ્પાર્ક થતાં જ ગેસ ચેમ્બર બની ગયેલા રૂમમાં પ્રચંડ ધડાકો થયો હતો અને પાડોશમાં રહેતા લોકો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા.
વેન્ટિલેશનના અભાવે વધ્યું જોખમ આ દુર્ઘટનાએ ઔદ્યોગિક વિસ્તારોમાં શ્રમિકોને ભાડે આપવામાં આવતા મકાનોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ એપાર્ટમેન્ટમાં હવા-ઉજાસની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે લીક થયેલો ગેસ બહાર નીકળી શક્યો ન હતો. વધુ ભાડું મેળવવાની લાલચમાં મકાન માલિકો સુરક્ષાના માપદંડોને નેવે મૂકીને જે રીતે સાંકડા અને વેન્ટિલેશન વગરના રૂમો બનાવે છે, તે હવે શ્રમિકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે.
પરિવારમાં આક્રંદ અને શોક ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ 38 થી 40 વર્ષના બે પુખ્ત વયના લોકો અને એક માસૂમ બાળકે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. અન્ય ત્રણ લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ હૃદયદ્રાવક ઘટનાએ ગેસ સુરક્ષા અને રૂમમાં હવા-ઉજાસ રાખવાની અનિવાર્યતા બાબતે લોકોમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સ્થાનિક પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.