રશિયા-યુક્રેન યુદ્ધના 5 વર્ષ: વ્લાદિમીર પુતિન ઝેલેન્સ્કીને મળવા તૈયાર, પણ ક્રેમલિને મૂકી ‘ફાઈનલ ડીલ’ ની આકરી શરત
-
સમજૂતી તૈયાર હશે તો જ મુલાકાત થશે; પ્રારંભિક વાટાઘાટો માટે પુતિન ટેબલ પર નહીં બેસે
-
દિમિત્રી પેસ્કોવે સ્પષ્ટ કર્યું- "મુલાકાત પ્રોડક્ટિવ હોવી જોઈએ"; 5 વર્ષથી લોહી રેડતા યુદ્ધના અંતની આશા જાગી
-
કિરીલો બુડાનોવે સ્વીકાર્યું- રશિયા, યુક્રેન અને યુએસ વચ્ચે પડદા પાછળ સંપર્ક ચાલુ; હજુ કોઈ અંતિમ નિર્ણય નહીં
રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા ભીષણ યુદ્ધને આજે પાંચ વર્ષ પૂરા થયા છે. અડધા દાયકાથી ચાલી રહેલા આ લોહિયાળ સંઘર્ષે સમગ્ર વિશ્વના અર્થતંત્ર અને સુરક્ષાને હચમચાવી દીધી છે. આ દરમિયાન ક્રેમલિન દ્વારા એક મહત્વનું નિવેદન આવ્યું છે કે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને મળવા તૈયાર છે, પરંતુ તે માટે એક મહત્વની શરત મૂકવામાં આવી છે.
પરિણામલક્ષી મુલાકાતનો આગ્રહ ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે, પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે સામ-સામે મુલાકાત ત્યારે જ શક્ય બનશે જ્યારે બંને પક્ષો વચ્ચે એક ‘અંતિમ સમજૂતી’ (Final Deal) તૈયાર થઈ ગઈ હોય. રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે પુતિન કોઈ પ્રારંભિક વાટાઘાટોમાં સામેલ થશે નહીં. તેઓ માત્ર ત્યારે જ હાજર રહેશે જ્યારે અધિકારીઓ અને રાજદ્વારીઓ દ્વારા તૈયાર કરાયેલી સમજૂતીને ઔપચારિક મંજૂરી આપવાની હોય.
અમેરિકાની ભૂમિકા અને ભવિષ્યની શક્યતા તાજેતરના અહેવાલો મુજબ, અમેરિકી દૂતો રશિયાની મુલાકાત લેવાની અને પુતિનને મળવાની યોજના બનાવી રહ્યા છે. જોકે, યુક્રેન પોતાની પ્રાદેશિક અખંડિતતા અને સંપ્રભુતા પર મક્કમ છે, જ્યારે રશિયા યુદ્ધ દરમિયાન મેળવેલા પ્રાદેશિક લાભોને છોડવા તૈયાર નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના વડા કિરીલો બુડાનોવે સ્વીકાર્યું છે કે રશિયા, યુક્રેન અને અમેરિકા વચ્ચે છૂપી રીતે સંપર્કો ચાલુ છે, પરંતુ ૫ વર્ષના અંતે પણ યુદ્ધ વિરામ ક્યારે થશે તે પ્રશ્ન હજુ વણઉકેલ્યો છે.