Loading Please Wait !!!
હોર્મુઝની ખાડીમાં ઈરાનનું ‘માઈન્સ’ નેટવર્ક: યુદ્ધ પૂરું થયા પછી પણ 6 મહિના સુધી દરિયાઈ માર્ગ જોખમી રહેશે, પેન્ટાગોનનો ધડાકો

 

  • GPS સજ્જ અત્યાધુનિક સી-માઈન્સ બિછાવી ઈરાને દુનિયાને બાનમાં લીધી; અમેરિકા સાથેની મંત્રણા પડી ભાંગી

  •  પેન્ટાગોનની ગુપ્ત બ્રીફિંગમાં ખુલાસો- ઈરાને સમુદ્રમાં બિછાવ્યું મોટું મોતનું જાળ; ભારતીય અર્થતંત્ર પર વિપરીત અસરની શક્યતા

  • રિમોટ કંટ્રોલ માઈન્સથી સજ્જ દરિયાઈ માર્ગ; અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં થનારી વાતચીત અટકી

    તેહરાન: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની જ્વાળાઓ હવે વૈશ્વિક અર્થતંત્રને દઝાડવા તૈયાર છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલય 'પેન્ટાગોન' એ હાઉસ આર્મ્ડ સર્વિસીસ કમિટી સમક્ષ રજૂ કરેલા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, ઈરાને હોર્મુઝની ખાડીમાં મોટી સંખ્યામાં ખતરનાક સી-માઈન્સ (દરિયાઈ સુરંગો) બિછાવી દીધી છે. આ સુરંગો એટલી અત્યાધુનિક છે કે યુદ્ધ સમાપ્ત થયા પછી પણ તેને સાફ કરવામાં ઓછામાં ઓછા ૬ મહિનાનો સમય લાગી શકે છે.

    સોદાબાજી માટે સમુદ્રી નાકાબંધી પેન્ટાગોનના પ્રવક્તા સીન પાર્નેલના જણાવ્યા અનુસાર, ઈરાન જાણી જોઈને આ સાંકડા અને મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગને બંધ રાખી રહ્યું છે જેથી તે અમેરિકા સામે પોતાની શરતો મંજૂર કરાવી શકે. આ દરમિયાન પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાનારી બીજા તબક્કાની શાંતિ મંત્રણા પણ હાલમાં અટકી પડી છે. રિપોર્ટ મુજબ, કેટલીક માઈન્સ GPS ટેકનોલોજીથી સજ્જ છે, જેને ગમે ત્યારે રિમોટ દ્વારા સક્રિય કરી શકાય છે.

    ભારત પર સીધી અસરની ભીતિ ભારત માટે આ સમાચાર અત્યંત ચિંતાજનક છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ અને ગેસ ખાડી દેશોમાંથી હોર્મુઝના માર્ગે જ મેળવે છે. જો આ માર્ગ ૬ મહિના સુધી પ્રભાવિત રહે કે ત્યાં જહાજો પર જોખમ વધે, તો ભારતમાં ઇંધણના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે, જેની સીધી અસર ટ્રાન્સપોર્ટ અને ચીજવસ્તુઓના ભાવ પર પડશે. ભારતની ઉર્જા સુરક્ષા માટે આ સ્થિતિ હવે માથાના દુખાવા સમાન બની રહી છે.