યુકેમાં ઐતિહાસિક નિર્ણય: 2008 પછી જન્મેલા લોકો આજીવન સિગારેટ નહીં ખરીદી શકે, બ્રિટિશ સંસદમાં બિલ પસાર
-
નવી પેઢીને નિકોટિનની લતમાંથી મુક્ત કરવાનું મિશન; વર્ષે 80,000 લોકોના મોત રોકવા સરકારનું આકરું પગલું
-
ફ્લેવર્ડ તમાકુ અને વેપિંગ પ્રોડક્ટ્સ પર પણ નિયંત્રણ; જાહેરાત અને ડિસ્કાઉન્ટ પર લાદવામાં આવ્યો પ્રતિબંધ
-
આરોગ્ય સચિવ વેસ સ્ટ્રીટિંગનો દાવો- "આ પ્રથમ ધૂમ્રપાન મુક્ત પેઢી હશે"; 64 લાખ સ્મોકર્સ ધરાવતા દેશમાં મોટો ફેરફાર
લંડન: બ્રિટિશ સંસદે ભાવિ પેઢીઓને સિગારેટ અને નિકોટિનની લતમાંથી મુક્ત કરવા માટે એક ઐતિહાસિક બિલ પસાર કર્યું છે. આ નવા કાયદા મુજબ, ૩૧ ડિસેમ્બર ૨૦૦૮ પછી જન્મેલી કોઈ પણ વ્યક્તિ હવે યુકેમાં કાયદેસર રીતે સિગારેટ ખરીદી શકશે નહીં. આ પ્રતિબંધ માત્ર મર્યાદિત સમય માટે નહીં પરંતુ આજીવન રહેશે, કારણ કે સરકાર દર વર્ષે સિગારેટ ખરીદવાની લઘુત્તમ વયમાં સતત વધારો કરવાની યોજના ધરાવે છે.
આરોગ્ય અને અર્થતંત્ર પર સકારાત્મક અસર યુકેમાં હાલમાં આશરે ૬૪ લાખ લોકો (કુલ વસ્તીના ૧૩ ટકા) ધૂમ્રપાન કરે છે, જેના કારણે વર્ષે ૮૦,૦૦૦ લોકો જીવ ગુમાવે છે. આરોગ્ય સચિવ વેસ સ્ટ્રીટિંગે જણાવ્યું હતું કે, આ પગલાથી યુકેમાં પ્રથમવાર ‘સિગારેટ મુક્ત પેઢી’ તૈયાર થશે. સરકારનું માનવું છે કે આ કડક કાયદાથી નેશનલ હેલ્થ સર્વિસ (NHS) પરનું ભારણ ઘટશે અને લાખો લોકોના જીવ બચાવી શકાશે.
વેપિંગ અને જાહેરાતો પર પણ પ્રતિબંધ આ બિલમાં માત્ર સિગારેટ જ નહીં પરંતુ વિવિધ ફ્લેવર્સમાં આવતી તમાકુ, વેપિંગ પ્રોડક્ટ્સ અને ઇલેક્ટ્રોનિક સિગારેટ પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યા છે. તમાકુ ઉત્પાદનોની જાહેરાત, ડિસ્પ્લે, મફત વિતરણ અને ડિસ્કાઉન્ટ આપવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કિંગ ચાર્લ્સ-૩ ની ઔપચારિક મંજૂરી બાદ આ બિલ કાયદો બની જશે. ૧૯૭૦ના દાયકાની સરખામણીએ યુકેમાં સ્મોકર્સની સંખ્યામાં બે-તૃતીયાંશનો ઘટાડો થયો છે, અને આ નવો નિયમ ધૂમ્રપાનના દૂષણને મૂળમાંથી ઉખેડી નાખવા માટે કારગત સાબિત થશે.