વિશ્વ પર ‘ડિજિટલ બ્લેકઆઉટ’નું જોખમ: ઈરાનની IRGC એ આપી ચેતવણી, પર્શિયન ગલ્ફમાં ઈન્ટરનેટ કેબલ્સ પર ખતરો
-
હોર્મુઝની ખાડીમાં તણાવ વધતા વૈશ્વિક ડેટા ટ્રાફિક જોખમમાં; ભારત સહિત અનેક દેશોમાં ઈન્ટરનેટ ઠપ થવાની ભીતિ
-
એશિયા અને યુરોપને જોડતી ફાઇબર-ઓપ્ટિક લાઈન્સ અત્યંત સંવેદનશીલ; ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને ક્લાઉડ સર્વિસ પર સંકટ
-
AI ડેટા સેન્ટર્સ અને IT સેક્ટરને પડી શકે છે મોટો ફટકો; ઓમાન અને UAE પાસે કેબલ રિપેરિંગ જહાજ અટવાયું
ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષમાં હવે એક નવો અને ભયાનક વળાંક આવ્યો છે. ઈરાનની શક્તિશાળી સૈન્ય પાંખ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ચેતવણી આપી છે કે પર્શિયન ગલ્ફમાં સમુદ્રની નીચે બિછાવેલી ઇન્ટરનેટ કેબલ્સ અત્યારે જોખમમાં છે. જો આ કેબલ્સને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે, તો સમગ્ર વિશ્વમાં અભૂતપૂર્વ ઇન્ટરનેટ આઉટેજ સર્જાઈ શકે છે.
વૈશ્વિક ટ્રાફિકની ‘જીવનરેખા’ જોખમમાં હોર્મુઝ સ્ટ્રેટની નીચેથી પસાર થતી આ ફાઇબર-ઓપ્ટિક કેબલ્સ વિશ્વના કુલ ઇન્ટરનેટ ટ્રાફિકનો આશરે ૧૭% થી ૩૦% હિસ્સો સંભાળે છે. આ કેબલ્સ એશિયા, યુરોપ અને મિડલ ઇસ્ટને જોડે છે. જો તેને નુકસાન પહોંચે, તો ઓનલાઇન બેંકિંગ, વીડિયો કોલ, ઇમેઇલ અને ક્લાઉડ સ્ટોરેજ જેવી સેવાઓ તાત્કાલિક અસરથી ઠપ થઈ શકે છે. ખાસ કરીને મોટા AI ડેટા સેન્ટર્સ આ કેબલ્સ પર નિર્ભર હોવાથી વૈશ્વિક ટેક કંપનીઓને અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે.
ભારત પર કેવી અસર પડશે? દુનિયાના સૌથી મોટા ઇન્ટરનેટ યુઝર બેઝ ધરાવતા દેશોમાં ભારત મોખરે છે. જો આ કેબલ્સ કપાય કે તેને નુકસાન થાય, તો ભારતમાં ઇન્ટરનેટ સ્પીડમાં મોટો ઘટાડો થશે. ડિજિટલ પેમેન્ટ (UPI) અને IT સેક્ટરની સેવાઓ ખોરવાતા અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે. હાલમાં સાઉદી અરેબિયા પાસે કેબલ સમારકામ માટેનું જહાજ અટવાયેલું હોવાના અહેવાલોએ ચિંતામાં વધારો કર્યો છે. આ સ્થિતિ સ્પષ્ટ કરે છે કે વર્તમાન યુદ્ધ હવે માત્ર સરહદો પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે ડિજિટલ કનેક્ટિવિટી પર પણ ત્રાટકી શકે છે.