Loading Please Wait !!!
હોર્મુઝની ખાડીમાં ઈરાનનું ‘મોતનું તાંડવ’: ગુજરાત આવતા જહાજ સહિત 3 પર અંધાધૂંધ ફાયરિંગ અને જપ્તી, 13 ભારતીય જહાજ હજુ પણ ફસાયેલા

 

  • મુંદ્રા બંદરે આવતું જહાજ ઈરાની નૌકાદળના કબજામાં; ટ્રમ્પના યુદ્ધવિરામના દાવા વચ્ચે દરિયામાં ભીષણ તણાવ

  •  જહાજો જપ્ત કરવા તે ‘યુદ્ધનું કૃત્ય’ ગણાવી ઈરાને સૈન્ય જવાબની આપી ધમકી; વ્હાઇટ હાઉસમાં મંત્રણા ટલ્લે ચઢી

  •  લાઈટો અને ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરી ઈરાનની ‘શાડો ફ્લીટ’ સક્રિય; નાકાબંધી છતાં તેલ નિકાસ ચાલુ રહેતા પેન્ટાગોન સ્તબ્ધ

    વોશિંગ્ટન: હોર્મુઝની ખાડીમાં ઈરાનના નૌકાદળે કરેલા આક્રમક હુમલાઓએ વૈશ્વિક સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ચિન્હ ઉભા કર્યા છે. ગુજરાતના મુંદ્રા બંદરે આવી રહેલા એક માલવાહક જહાજ સહિત કુલ ત્રણ જહાજો પર ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડે ગોળીબાર કરી તેમને જપ્ત કરી લીધા છે. ઈરાને આરોપ લગાવ્યો છે કે આ જહાજો નેવિગેશન સિસ્ટમમાં હેરફેર કરી હોર્મુઝની સુરક્ષા જોખમમાં મૂકી રહ્યા હતા.

    ટ્રમ્પનો યુદ્ધવિરામ અને ઈરાનનો ઈનકાર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની વિનંતીને માન આપી યુદ્ધવિરામ અનિશ્ચિત મુદત સુધી લંબાવવાની જાહેરાત કરી છે, પરંતુ ઈરાનની આર્થિક નાકાબંધી યથાવત રાખી છે. જેના જવાબમાં ઈરાની વિદેશ પ્રધાન અરાઘચીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "બંદરોની ઘેરાબંધી એ યુદ્ધનું કૃત્ય છે અને જ્યાં સુધી અમેરિકા ઘેરાબંધી નહીં હટાવે ત્યાં સુધી કોઈ મંત્રણા શક્ય નથી."

    ભારતની મક્કમતા અને ફસાયેલા જહાજ ભારતે સ્પષ્ટતા કરી છે કે તેના જહાજોને સલામત રીતે પસાર થવા દેવા માટે ઈરાનને રોકડ કે ક્રિપ્ટોકરન્સીના સ્વરૂપમાં કોઈ ચૂકવણી કરવામાં આવી નથી. હોર્મુઝમાં હજુ પણ ભારતના ૧૩ જહાજ ફસાયેલા છે. દરમિયાન, ભારતીય ટેન્કર 'સન્માર હેરલ્ડ' ના કેપ્ટનનો એક દર્દનાક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ઈરાની દળોને ગોળીબાર બંધ કરવા વિનંતી કરી રહ્યો છે.

    અમેરિકાને હંફાવતું ઈરાન અમેરિકી નૌસેનાની કડક નાકાબંધી છતાં, ઈરાનના બે ટેન્કર્સ 'હીરો-સેકન્ડ' અને 'હેડી' ૪૦ લાખ બેરલ ક્રૂડ ઓઈલ લઈ અરબી સમુદ્રમાં પહોંચી ગયા છે. આ જહાજોએ પકડાઈ જવાથી બચવા માટે પોતાની લાઈટો અને જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરી દીધી હતી. અહેવાલો મુજબ, ઈરાનના અત્યાર સુધીમાં ૩૪ ટેન્કર્સ આ રીતે નાકાબંધી તોડી ૯૦ લાખ બેરલ તેલની નિકાસ કરી ચુક્યા છે.