કામદાર યુનિયનની લડતથી પિડીત પરિવારને ન્યાય મળ્યો
- વ્યાજખોરીના ભોગ બનેલા પરિવારને 16 લાખ વ્યાજ માફ કરાવ્યું
સિટી ન્યૂઝ@રાજકોટ: રાજકોટ શહેરમાં ગરીબ અને શ્રમિક વર્ગ પર થતા શોષણ સામે ફરી એકવાર રાજકોટ કામદાર યુનિયને મજબૂત અને સંવૈધાનિક લડત લડી એક પીડિત પરિવારને ઐતિહાસિક ન્યાય અપાવ્યો છે.
વ્યાજખોરી અને ગેરકાયદેસર દબાણના ભોગ બનેલા પરિવારના પતિ હરગોવિંદભાઈ મનસુખભાઈ વાઘેલા ની સરકારી પેન્શન બુક વ્યાજખોર દ્વારા ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષો સુધી દબાણ, ધમકી અને ગેરરીતિથી અંદાજે અધધ રૂ. 16 લાખ જેટલી રકમ વ્યાજ રૂપે પડાવવામાં આવી હતી.આ ગંભીર અન્યાય સામે રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયા અને તેમની ટીમે આગેવાની લઈ સંવૈધાનિક રીતે જંગ લડી અને પીડિત પરિવારને માત્ર પેન્શન બુક પરત અપાવી જ નહીં, પણ અધધ 16 લાખ રૂપિયા જેટલું ગેરકાયદેસર વ્યાજ પણ માફ કરાવી ઐતિહાસિક ન્યાય અપાવ્યો.
ન્યાય મળતા જ સમગ્ર પરિવાર ભાવુક બની ગયો હતો. પરિવારના સભ્યોની આંખોમાંથી ખુશીના આંસુ વહી રહ્યા હતા - આ માત્ર નાણાંનો મુદ્દો નહોતો, પણ તેમની ઈંજ્જત, અધિકાર અને આત્મસન્માન પાછું મળવાનું ક્ષણ હતું.
રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ શ્રી પારસ બેડીયા, આગેવાનો ચંદ્રેશ સાનિયાલ ગીતાબેન ચૌહાણલ રાજેશભાઈ વાઘેલા, ચેતનાબેન ચુડાસમા તથા તેમની સમગ્ર ટીમ દ્વારા પરિવારને ફૂલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યો છે.
આ અવસરે રાજકોટ કામદાર યુનિયન દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે"અમારા માટે ગરીબ, શોષિત અને વંચિત લોકો સર્વોપરી છે. તેમને ન્યાય અપાવવો એ અમારી પ્રથમ અને મુખ્ય જવાબદારી છે." આ સમગ્ર પ્રક્રિયામાં સહકાર અને સંવેદનશીલતા દાખવવા બદલ રાજકોટ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનો પણ રાજકોટ કામદાર યુનિયન દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.